પહેલગામ હુમલો પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબાના સનર્થન વિના સંભવ ન હતોઃ UNSC
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લેનાર સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને આતંકવાદી સંગઠન જાહેર કરવા અંગે મોટો ખુલાસો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ દેખરેખ ટીમે કહ્યું હતું કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી બે વાર લીધી હતી અને પહેલગામ હુમલા સ્થળ, બૈસરન ખીણનો ફોટો પોસ્ટ કર્યો હતો. ટીમે તેના અહેવાલમાં કહ્યું છે કે પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા (LET) ના સમર્થન વિના આ હુમલો શક્ય નહોતો.
UNSCમાં ISIL (દાએશ), અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનોનું નિરીક્ષણ કરતી ટીમે 36મો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે માહિતી આપવામાં આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ તે જ દિવસે હુમલાની જવાબદારી લીધી હતી. સંગઠને હુમલા સ્થળનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. હુમલાના બીજા દિવસે, TRF એ ફરી એકવાર પોતાનો દાવો પુનરાવર્તિત કર્યો હતો. આ રીતે, TRF એ બે વાર હુમલાની જવાબદારી લીધી હતી. જોકે, 26 એપ્રિલના રોજ TRF એ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો. આ પછી TRF તરફથી કોઈ વધુ માહિતી મળી ન હતી અને કોઈ અન્ય જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી ન હતી.
રિપોર્ટમાં પાકિસ્તાનનું નામ લેવાયું અને કહેવામાં આવ્યું હતું કે, લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના હુમલો થઈ શક્યો ન હોત. લશ્કર-એ-તૈયબા અને TRF વચ્ચે સંબંધો હતા. જ્યારે ભારતે કહ્યું હતું કે હુમલો TRF દ્વારા કરવામાં આવ્યો હતો, જે લશ્કરનો પર્યાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને આ વિચારોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે લશ્કર-એ-તૈયબા નિષ્ક્રિય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હુમલા પછી પ્રાદેશિક સંબંધો હજુ પણ નાજુક છે. આનાથી જોખમ ઊભું થાય છે કે આતંકવાદી જૂથો આ પ્રાદેશિક તણાવનો લાભ લઈ શકે છે.
ટીમે રિપોર્ટમાં કહ્યું છે કે ISIL-K મધ્ય અને દક્ષિણ એશિયામાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ગંભીર ખતરો છે. લગભગ 2,000 લડવૈયાઓ સાથે ISIL-K (ઇસ્લામિક સ્ટેટ ખોરાસન), અફઘાનિસ્તાન, મધ્ય એશિયાઈ રાજ્યો અને રશિયન ઉત્તર કાકેશસની અંદર અને બહાર ભરતી કરવાનું ચાલુ રાખ્યું.
અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તરીય અફઘાનિસ્તાન અને પાકિસ્તાની સરહદ નજીકના વિસ્તારોમાં, ISIL-K એ મદરેસામાં બાળકોને આત્મઘાતી વિચારધારાથી પરિચય કરાવ્યો હતો. તેણે લગભગ 14 વર્ષની વયના સગીરો માટે આત્મઘાતી તાલીમ અભ્યાસક્રમો પણ શરૂ કર્યા હતા. ISIL-K એ અફઘાનિસ્તાનના પડોશી દેશો અને વૈશ્વિક સ્તરે તેની પ્રવૃત્તિઓ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
અહેવાલમાં જણાવાયું છે કે, અફઘાનિસ્તાનમાં અનેક અલ-કાયદા તાલીમ સ્થળો નોંધાયા છે. ઉપરાંત, ત્રણ નવા સ્થળો ઓળખવામાં આવ્યા છે. જોકે આ કદાચ નાના અને પ્રાથમિક હશે. આ સ્થળોએ અલ-કાયદા અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) બંનેના લડવૈયાઓને તાલીમ આપી હોવાના અહેવાલ છે. TTP પાસે લગભગ 6,000 લડવૈયાઓ હતા અને તેમને અફઘાનિસ્તાનના અધિકારીઓ તરફથી નોંધપાત્ર લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ મળતો રહ્યો. કેટલાક સભ્ય દેશોએ અહેવાલ આપ્યો છે કે TTP એ ISIL-K સાથે વ્યૂહાત્મક સ્તરના સંબંધો જાળવી રાખ્યા છે. TTP એ પ્રદેશમાં મોટા હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું. એક સભ્ય રાષ્ટ્રએ અહેવાલ આપ્યો છે કે જાન્યુઆરી 2025 માં TTP એ બલુચિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપી હતી.