પહેલગામ હુમલાની અસર PSL ઉપર પણ પડી, ભારતીય સ્ટ્રીમિંગ કંપનીએ લાઈવ ટેલિકાસ્ટ નહીં કરે
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. સમગ્ર ભારતમાં શોકનું વાતાવરણ છે, જ્યારે કેન્દ્ર સરકાર પણ એક પછી એક કાર્યવાહી કરી રહી છે. હવે પાકિસ્તાનની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી લીગને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL 2025) અત્યાર સુધી લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફેન્કોડ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહી હતી. હવે ફેનકોડે PSLનું લાઈવ ટેલિકાસ્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ફેન્કોડ એક ભારતીય સ્ટ્રીમિંગ કંપની છે જેણે પાકિસ્તાન સુપર લીગને મોટો ઝટકો આપ્યો છે. 24 એપ્રિલથી, PSL મેચો ફેન્કોડ પર ઉપલબ્ધ રહેશે નહીં. આ પ્લેટફોર્મ પર લાખો લોકો PSL મેચો લાઈવ જુએ છે, પરંતુ ફેન્કોડના આ નિર્ણય પછી, પાકિસ્તાન સુપર લીગના ડિજિટલ વ્યૂઅરશિપમાં ભારે ઘટાડો થઈ શકે છે. પીએસએલ 2025 સીઝન 11 એપ્રિલથી શરૂ થઈ હતી અને આ ટુર્નામેન્ટ 18 મે સુધી ચાલશે. પહેલગામ હુમલા બાદ કડક કાર્યવાહી કરતા, ફેનકોડે PSL 2025 સીઝનની બાકીની મેચોનું પ્રસારણ કરવાનો ઇનકાર કરી દીધો છે. અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ ફેનકોડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ફેનકોડ એકમાત્ર ભારતીય કંપની નથી જેણે પાકિસ્તાન પર ક્રિકેટ સ્ટ્રાઇક શરૂ કરી છે. ભારતીય ફેન્ટસી એપ્લિકેશન ડ્રીમ-11 એ પણ કડક કાર્યવાહી કરી છે અને તેની વેબસાઇટ અને એપ્લિકેશનમાંથી PSL ની બધી મેચો દૂર કરી દીધી છે. આ વખતે પીએસએલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સાથે સ્પર્ધા કરી રહ્યું હોવાથી, ફેન્કોડ લાઈવ સ્ટ્રીમિંગ કંપનીના નિર્ણયને કારણે, પીએસએલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આવકની દ્રષ્ટિએ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. પીએસએલ ડ્રાફ્ટ આઈપીએલ 2025 મેગા ઓક્શન પછી થયો હતો. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે ફક્ત તે ખેલાડીઓ જ ખરીદી શકાય જે IPL 2025 મેગા ઓક્શનમાં વેચાયા વગર રહ્યા હોય.