ઓડિશામાં વાવાઝોડાની તબાહી વચ્ચે 5 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરાયું
નવી દિલ્હીઃ ચક્રવાત દાનાએ ઓડિશામાં ભારે તબાહી મચાવી છે. ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન, મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું કે, કુલ 5,84,888 લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે. આ લોકો હાલમાં 6,008 ચક્રવાત આશ્રયસ્થાનોમાં રહે છે, જ્યાં તેમને ખોરાક, પાણી અને દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય 10 લાખ લોકોને બચાવવાનો છે. સીએમ માઝીએ માહિતી આપી હતી કે, રાહત શિબિરોમાં શિફ્ટ થયેલી 4431 ગર્ભવતી મહિલાઓમાંથી 1600એ બાળકોને જન્મ આપ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, "4431 ગર્ભવતી મહિલાઓમાંથી 1600એ બાળકને જન્મ આપ્યો છે. માતા અને બાળક બંને સુરક્ષિત છે. સ્થિતિ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથની કૃપાથી અમે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે."
સીએમ મોઝીએ કહ્યું કે બાલાસોર જિલ્લામાં સૌથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી 1,72,916 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. આ સિવાય મયુરભંજના 100,000 લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. ભદ્રકમાંથી 75,000 લોકોને, જાજપુરમાંથી 58,000 અને કેન્દ્રપારામાંથી 46,000 લોકોને બચાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 10 લાખ લોકોને બહાર કાઢવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સીએમ માઝીએ કહ્યું, અમે લગભગ બધાને જોખમવાળા વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે.
મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ચક્રવાત દાના માટે રાજ્યની તૈયારી વિશે માહિતી આપી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા પગલાં અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.