કેરળમાં OBC આરક્ષણ ઉપર તરાપ, અમુક હિસ્સો મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ફાળવવામાં આવ્યો
નવીદિલ્હી: કેરળ રાજ્યમાં અન્ય પછાત વર્ગ (OBC) માટેના આરક્ષણના હક્કોને લઈને 9 સપ્ટેમ્બર, 2025ના રોજ એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખુલાસો થયો કે ઓબીસી આરક્ષણનો એક હિસ્સો ધર્મના આધાર પર આપવામાં આવી રહ્યો છે. તેમાં 10 ટકા હિસ્સો મુસ્લિમ સમુદાયને અને 6 ટકા હિસ્સો ખ્રિસ્તી સમુદાયને ફાળવવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ (NCBC)એ જણાવ્યું કે, રાજકીય લાભ માટે કરવામાં આવેલ આ વિભાજનના કારણે મૂળ ઓબીસી સમુદાયોના હક્કોનું હનન થઈ રહ્યું છે. આયોગે રાજ્ય સરકારને પૂછ્યું કે, ધર્મના આધારે આપવામાં આવેલા આરક્ષણ માટે કયા પુરાવા અને આધાર રજૂ કરી શકાય, પરંતુ રાજ્યના સચિવ અને અધિકારીઓ સ્પષ્ટ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આયોગે આ પ્રકારના ધર્મ આધારિત આરક્ષણને “અન્યાયપૂર્ણ” ગણાવ્યું છે અને સ્પષ્ટ કહ્યું કે, આરક્ષણ ફક્ત જાતિના આધારે જ આપવામાં આવવું જોઈએ. આયોગે રાજ્ય સરકારને સૂચના આપી છે કે, મૂળ ઓબીસી સમુદાયોને તેમની હક્કની અનુકૂળતા મુજબ યાદીમાં યોગ્ય સ્થાન આપવું જરૂરી છે.
કેરળ સરકારની નીતિ મુજબ, ઓબીસી વર્ગને સામાન્ય શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, સરકારી ભરતી અને મેડિકલ એજ્યુકેશનમાં અલગ અલગ ટકા આરક્ષણ આપવામાં આવે છે. પરંતુ હાલની વ્યવસ્થામાં ભરતીમાં આરક્ષણનો ટકા 27 ટકાથી ઓછો જણાય છે. આયોગે આ મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો અને સરકાર પાસેથી આરક્ષણના આધાર, નોકરી અને શિક્ષણમાં ફાળવાયેલા ટકા તેમજ ધાર્મિક સમુદાયોનું વિગતવાર ડેટા માંગ્યા છે.
આ સમીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે કેરળ સરકારના અધિકારીઓએ 26 સપ્ટેમ્બર, 2025ના રોજ દિલ્હીમાં સ્થિત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના કાર્યાલયમાં આરક્ષણ સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં પૂરતી સ્પષ્ટતા ન હોવાનું જણાયું હતું. આયોગના જણાવ્યા મુજબ, ઓબીસી આરક્ષણ બનાવવામાં જે માપદંડો અને માર્ગદર્શિકાઓ નક્કી કરવામાં આવી હતી, તેનું ઉલ્લંઘન થયુ છે. આથી એવું સ્પષ્ટ થાય છે કે મૂળ ઓબીસી વર્ગને મળતા આરક્ષણનો હિસ્સો મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયને આપવામાં આવ્યો છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને, આયોગે ભારતીય બંધારણના કલમ 338બી હેઠળ સમીક્ષા બેઠક બોલાવી હતી, જેથી મૂળ ઓબીસી સમુદાયના બંધારણીય હકો અને લાભોને કોઈ પ્રકારનો ખતરો ન થાય.