For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 40289 સરકારી શાળાઓમાંથી માત્ર 524 શાળાને A+ ગ્રેડ મળ્યો

04:56 PM May 23, 2025 IST | revoi editor
ગુજરાતમાં 40289 સરકારી શાળાઓમાંથી માત્ર 524 શાળાને a  ગ્રેડ મળ્યો
Advertisement
  • GCERT દ્વારા ગુણોત્સવ 0 (સ્કૂલ એક્રેડિટેશન)-2024-25નું પરિણામ જાહેર કરાયુ
  • સતત મોનિટરિંગના લીધે માત્ર એક વર્ષમાં A+ અને A ગ્રેડમાં શાળાઓની સંખ્યા વધી
  • ગત વર્ષની સરખામણીએ A ગ્રેડમાં 94 ટકાનો વધારો થયો

અમદાવાદઃ ગુજરાતની તમામ શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે દર વર્ષે સરકાર દ્વારા ગુણોત્સવ યોજવામાં આવે છે. શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે ઘણીબધી ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ એવી છે કે, સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં વાંચી પણ શક્તા નથી. જો કે ગુણોત્સવને લીધે શિક્ષણના સ્તરમાં ઘણોબધો સુધારો આવ્યો છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2024-25માં યોજાયેલા ગુણોત્સવનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 40289 પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓમાંથી માત્ર 524 શાળાએ એ પ્લસ ગ્રેડ મળ્યો છે. જ્યારે એ ગ્રેડ મેળવનારી શાળાઓમાં અગાઉ કરતા 94 ટકાનો વધારો થયો છે.

Advertisement

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT)  દ્વારા ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન)-2024-25નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુણોત્સવ-2.0માં ગુજરાતની પ્રાથમિક અને હાઈસ્કૂલ મળી કુલ 40,289 સરકારી શાળાઓમાંથી માત્ર 524 શાળાઓને જ A+ ગ્રેડ પ્રાપ્ત થયો છે. પરંતુ સતત મોનિટરિંગના લીધે માત્ર એક જ વર્ષમાં A+ અને A ગ્રેડમાં શાળાઓની સંખ્યા 2971થી વધી 9388 એ પહોંચતા ગુણવત્તા વધી હોવાનો શિક્ષણ વિભાગે દાવો કર્યો છે. પ્રાથમિક અને આશ્રમ શાળાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ A ગ્રેડમાં 94 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે A ગ્રેડમાં માત્ર 1919 શાળાઓ હતી જે આ વર્ષે વધીને 4,442 થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી શાળાઓની ગુણવત્તા ચકાસવા માટે છેલ્લા ઘણાં વર્ષોથી ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુણોત્સવ લાગુ કર્યાના 10 વર્ષ બાદ મૂલ્યાંકનના નવા ફેરફાર સાથે ગુણોત્સવ 2.0 લૉન્ચ કરવામાં આવ્યું હતું. ગુણોત્સવ 2.0ના પ્રથમ વર્ષે ગુજરાતમાં A+ ગ્રેડ ધરાવતી શાળાઓની સંખ્યા માત્ર 14 જ નોંધાઈ હતી. ત્યારબાદ છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોનેટરિંગ અને નવી પદ્ધતિઓના મૂલ્યાંકનના લીધે શાળાઓમાં ગુણવત્તા વધી હોવાનો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે. જે અન્વયે ચાલુ વર્ષે જાહેર થયેલાં પરિણામ મુજબ રાજ્યની 40,289 શાળાઓમાંથી A+ ગ્રેડમાં માત્ર 524 શાળાઓ આવી છે, જે ગત વર્ષની સરખામણીએ 111નો વધારો થયો છે. કુલ 524 શાળાઓમાં 383 પ્રાથમિક અને આશ્રમ શાળાઓ છે તેમજ 141 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા છે. ગત વર્ષે એ પ્લસ ગ્રેડમાં 413 શાળા જ હતી.

Advertisement

પ્રાથમિક અને આશ્રમ શાળાઓના પરિણામ પર નજર કરવામાં આવે તો A ગ્રેડમાં 4,442 શાળાઓ આવી છે, જે ગત વર્ષે માત્ર 1616 જ શાળાઓ હતી. આવી જ રીતે B ગ્રેડમાં આ વર્ષે 29,982, C ગ્રેડમાં 1327 અને D ગ્રેડમાં 102 શાળાઓનો સમાવેશ થયો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી કુલ 7092 શાળાઓમાંથી A-ગ્રેડમાં 1422, B-ગ્રેડમાં 4999, C ગ્રેડમાં 530 અને D ગ્રેડમાં માત્ર 3 જ શાળાઓનો સમાવેશ થયો છે.

Advertisement
Tags :
Advertisement