મહાકુંભમાં 'ગેરવહીવટ'ના મુદ્દા પર હોબાળો થયા બાદ વિપક્ષી દળોનું રાજ્યસભામાંથી વોકઆઉટ
નવી દિલ્હીઃ સોમવારે રાજ્યસભામાં વિપક્ષી પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને બાદમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કથિત 'ગેરવહીવટ'ના મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સવારે ગૃહની કાર્યવાહી શરૂ થયા પછી, અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહને માહિતી આપી કે તેમને નિયમ 267 હેઠળ ચર્ચા માટે કુલ નવ નોટિસ મળી છે.
કોંગ્રેસના પ્રમોદ તિવારી અને દિગ્વિજય સિંહ, તૃણમૂલ કોંગ્રેસના સાગરિકા ઘોષ, સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમન અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના જોન બ્રિટાસે કથિત ગેરવહીવટના મુદ્દા પર નોટિસ આપી હતી. કોંગ્રેસે પોતે કુંભ મેળામાં કથિત ગેરવહીવટના મુદ્દા પર નોટિસ આપી હતી. ચંદ્રકાંત હંડોર અને રણદીપ સિંહ સુરજેવાલાએ બંધારણ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનની વધતી જતી ઘટનાઓ પર નોટિસ આપી હતી.
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના મુદ્દા પર ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI) ના પી સંધોષ કુમારે નોટિસ આપી હતી. અધ્યક્ષ ધનખડ દ્વારા બધી નોટિસો ફગાવી દેવામાં આવ્યા બાદ, વિપક્ષી પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોના ઘણા સભ્યો સ્પીકરની ખુરશી પાસે આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. હોબાળા વચ્ચે, ધનખડે શૂન્ય કાળ શરૂ કર્યો અને થોડા સમય પછી ઉપાધ્યક્ષ હરિવંશ ખુરશી પર આવ્યા. શૂન્ય કાળ દરમિયાન વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે, ઘણા સભ્યોએ પોતાના મુદ્દાઓ ઉઠાવ્યા. થોડા હોબાળા બાદ, વિપક્ષી દળોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.