મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોનો કૂચને અટકાવાઈ, અનેક સાંસદોની કરાઈ અટકાયત
નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદી સુધારાના વિરોધમાં વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી વિરોધ કૂચ શરૂ કરી હતી. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદોને રોકવા માટે ટ્રાન્સપોર્ટ ભવન ખાતે પોલીસે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. તેમજ અહીં તેમને ચૂંટણી પંચના મુખ્યાલય તરફ આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ કૂચ માટે વિપક્ષી સાંસદોએ કોઈ પરવાનગી લીધી ન હતી. પોલીસે અટકાવ્યા બાદ, અખિલેશ યાદવ, મહુઆ મોઇત્રા સહિત ઘણા સાંસદોએ બેરિકેડ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સાંસદો બેરિકેડ કૂદીને રસ્તાની વચ્ચે ધરણા પર બેઠા હતા. પોલીસે વિરોધ કરી રહેલા સાંસદોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે સાંસદોએ રસ્તા પરથી ખસવાનો ઇનકાર કર્યો, ત્યારે રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પોલીસ બેરિકેડ કુદયા હતા.
વિપક્ષી સાંસદો બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાર છેતરપિંડીના આરોપો સામે વિપક્ષી ગઠબંધનના વિરોધ કૂચના ભાગ રૂપે સંસદથી ભારતના ચૂંટણી પંચ તરફ કૂચ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે તેમને વચ્ચેથી જ રોકી દીધા હતા. આ પછી, અખિલેશ બેરિકેડ કૂદીને રસ્તાની વચ્ચે અન્ય સાથીદારો સાથે ધરણા પર બેસી ગયા હતા. સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે પોલીસ વિપક્ષી સાંસદોને ભારતના ચૂંટણી પંચ તરફ કૂચ કરતા અટકાવી રહી હતી. આ કારણે, તેઓ વિરોધ કરવા બેસી ગયા. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેઓ અમને રોકવા માટે પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે.