ઓપરેટિવ કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)ની રકમ ₹10 લાખ કરોડને વટાવી ગઈ
નવી દિલ્હીઃ ઓપરેટિવ કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ખાતાઓ હેઠળની રકમ માર્ચ 2014 માં ₹4.26 લાખ કરોડથી બમણી થઈને ડિસેમ્બર 2024માં ₹10.05 લાખ કરોડ થઈ ગઈ છે. આ કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને પૂરી પાડવામાં આવતી વાજબી કાર્યકારી મૂડી લોનના જથ્થામાં નોંધપાત્ર વધારો સૂચવે છે. આ કૃષિમાં ધિરાણને વધારવા અને બિન-સંસ્થાકીય ધિરાણ પરની નિર્ભરતામાં ઘટાડો કરવાનું પ્રતિબિંબ છે.
કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) એ એક બેંકિંગ ઉત્પાદન છે જે ખેડૂતોને બિયારણ, ખાતરો અને જંતુનાશકો જેવા કૃષિ ઇનપુટ્સ ખરીદવા માટે તેમજ પાક ઉત્પાદન અને આનુષંગિક પ્રવૃત્તિઓ સંબંધિત રોકડ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે સમયસર અને સસ્તું ધિરાણ પ્રદાન કરે છે. વર્ષ 2019માં પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન જેવી આનુષંગિક પ્રવૃત્તિઓની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેસીસી યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
ભારત સરકાર, સંશોધિત ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (એમઆઇએસ) હેઠળ, વાર્ષિક 7 ટકાના રાહત દરે રૂ. 3 લાખ સુધી કેસીસી મારફતે ટૂંકા ગાળાની એગ્રિ લોન પ્રદાન કરવા માટે બેંકોને વ્યાજમાં 1.5 ટકાની સહાય પૂરી પાડે છે. લોનની સમયસર ચુકવણી પર ખેડૂતોને 3 ટકાનું વધારાનું ત્વરિત પુનઃચુકવણી પ્રોત્સાહન પ્રદાન કરવામાં આવે છે. જે અસરકારક રીતે ખેડૂતો માટે વ્યાજના દરને ઘટાડીને 4 ટકા કરે છે. ₹2 લાખ સુધીની લોન કોલેટરલ-ફ્રી ધોરણે આપવામાં આવે છે. જે નાના અને સીમાંત ખેડૂતોને ધિરાણની મુશ્કેલી વિનાની સુલભતા સુનિશ્ચિત કરે છે.
નાણામંત્રીએ બજેટ ભાષણમાં 2025-26માં સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ હેઠળ લોનની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવાની જાહેરાત કરી છે, જેનો ખેડૂતોને વધુ ફાયદો થશે.
31-12-2024 સુધીમાં કુલ 10.05 લાખ કરોડ રૂપિયા ઓપરેટીવ કેસીસી હેઠળ આપવામાં આવ્યા છે, જેનો લાભ 7.72 કરોડ ખેડૂતોને મળ્યો છે.