અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : રાજ્યપાલ
- 'વિકસિત ભારત@2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ' વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયુ
- રાષ્ટ્રનું નિર્માણ આવનારી પેઢીની વિચારસરણી પરથી નક્કી થાય છે
- જો બાળકોનું યોગ્ય ઘડતર થશે, તો કુટુંબનું નિર્માણ થશે,
અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ, નવી દિલ્હી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 'વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ' વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે આ રાષ્ટ્રીય સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે કહ્યું કે, અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું.
શિક્ષકોના પ્રશિક્ષણમાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલી રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદના પશ્ચિમ ક્ષેત્રના છ રાજ્યો; છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તથા કેન્દ્ર શાસિત પ્રદેશ; દાદરા, નગર હવેલી, દમણ અને દીવથી પધારેલા શિક્ષણવિદ્, નીતિ નિર્ધારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા તજજ્ઞો અને ઉચ્ચ અધિકારીઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રમાં સૌ પથમ વખત શિક્ષણ ક્ષેત્રે આટલી ગંભીરતાપૂર્વક ચિંતન કરવામાં આવી રહ્યું છે.
નવી શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ વખતે અનુભૂતિ થઈ છે કે, ભારતની યુવા પેઢીને આપણે અત્યાર સુધી શિક્ષણ નહીં માત્ર માહિતી જ આપી રહ્યા છીએ. આ દિશામાં હવે અત્યંત ગંભીરતાપૂર્વક ચિંતન શરૂ થયું છે તે ભારતનું સૌભાગ્ય છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ શિક્ષક-આચાર્ય છે. 30 વર્ષો સુધી તેમણે બાળકો ભણાવ્યા છે. બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનમાં શિક્ષણવિદ્દોને સંબોધતાં તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ અને વિકસિત ભારત@2047; આ બંને મિશનનો મૂળ ઉદ્દેશ્ય એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે જ્યાં સૌ સુખી અને આનંદિત હોય અને આપણે ભારતના નાગરિકો ગરીમાપૂર્ણ જીવન જીવીએ. સમજદાર એ છે જે જમાના સાથે પોતાની જાતને બદલે છે. આપણે વર્તમાન સમાજની આવશ્યકતા અનુસાર આપણી યુવા પેઢીને તૈયાર કરવાની છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય મૂળ સંસ્કૃતિને શિક્ષણ પદ્ધતિથી જોડી રાખવાનું કાર્ય નવી શિક્ષણ નીતિ દ્વારા થવાનું છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી દ્વારા નવી શિક્ષા પદ્ધતિના અમલીકરણ થકી શિક્ષણ સાથે બાળકોને મૂલ્યનિષ્ઠા આપવાનું ભગીરથ કાર્ય કરાયું છે.
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના અધ્યક્ષ શ્રી પંકજ અરોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના આંગણે ગુજરાત વિદ્યાપીઠની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર આ નેશનલ કોન્ક્લેવ યોજી રહ્યા છીએ તે ગૌરવપૂર્ણ બાબત છે. ટીચર્સ એજ્યુકેશન ક્ષેત્રે સિસ્ટમેટિક રિફોર્મ્સ લાવવા માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠની ઐતિહાસિક ભૂમિ પરથી ઘણાં રાજપુરુષોએ આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. વર્તમાન કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં ગુજરાત વિદ્યાપીઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહી છે.