ગુજરાતમાં ભર ઉનાળે 92 જળાશયોમાં માત્ર 30 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ
- ચોમાસાના આગમનને હજુ અઢી મહિના બાકી છે, ત્યારે પાણીની સમસ્યા વિકટ બનશે
- ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં 13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
- સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 37 ટકા પાણી બચ્યું છે
અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અમે તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. પણ ઉનાળાની અસહ્ય ગરમીને લીધે જળાશયોમાં પાણીમાં ઘટાડો થયો છે. રાજ્યના 92 જળાશયોમાં તો માત્ર 30 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હજુ ચોમાસાના આગમનને અઢી મહિના જેટલો સમય બાકી છે. ત્યારે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જોકે નર્મદા યોજના સરદાર સરોવરમાં પાણીનો પુરો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના શહેરો અને મોટાભાગના ગામડાંમાં પાઈપલાઈનથી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. પણ કેટલાક અંતરિયાળ ગામોમાં નર્મદાના નીર પહોંચી શક્યા નથી. એવા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય એવા એંધાણ છે.
ગુજરાતના ડેમોમાં પણ પાણીની સ્થિતિ જોતાં એવુ લાગી રહ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં પાણીનુ સંકટ ઊભું થઈ શકે છે. હાલ રાજ્યના ડેમોમાં માત્ર 50 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ગરમીના વધતાં પ્રકોપને જોતાં પાણીનો વપરાશ વઘ્યો છે. હજુ તો ઉનાળો આખો બાકી છે ત્યાંરે ઘણા વિસ્તારોમાં અત્યારથી પાણીનું સંકટ ઊભું થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં માત્ર 658 એમસીએમ પાણી બચ્યું છે. એટલે કે, આ વિસ્તારના ડેમોમાં માત્ર 34.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મઘ્ય ગુજરાતમાં 17 ડેમોમાં 58.35 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 13 ડેમોમાં 5046.35 એમસીએમ પાણી બાકી બચ્યું છે. તેમજ કચ્છના 20 ડેમોમાં 37.94 ટકા પાણી રહ્યું છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ગંભીર બને તેવા એંધાણ છે કેમ કે, 141 ડેમો પૈકી એક માત્ર ડેમ સંપૂર્ણપણે ભરાયેલો રહ્યો છે. આ ડેમોમાં 10145 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના ડેમોમાં સરેરાશ 40.37 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યારે માત્ર પાંચ ડેમો જ એવાં છે જેમાં 90 ટકા પાણીનો જથ્થો મોજુદ છે. પણ ચિંતાજનક વાત એ છે કે, 28 ડેમો તો ડેડ વોટરની સ્થિતિમાં છે. આ ડેમોમાં 10 ટકા ય પાણી રહ્યું નથી.
રાજ્યના 92 ડેમોમાં પાણીની માત્રા 30 ટકાથી ઓછી છે. બનાસકાંઠાના ડેમોમાં 11.37 ટકા, સાબરકાંઠામાં 27 ટકા, દ્વારકામાં 12 ટકા, મોરબીમાં 28 ટકા અને સુરેન્દ્રનગરના ડેમોમાં 33 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. આ બધા જિલ્લામાં આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાયે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.