સુરતની મ્યુનિ.શાળાઓમાં 1600 શિક્ષકોની ઘટ સામે માત્ર 287 વિદ્યાસહાયકોની ભરતી
- સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 5400 શિક્ષકોનું મહેકમ,
- ગુજરાતી માધ્યમની શાળામાં 700 થી વધુ શિક્ષકોની ઘટ,
- ઘણી સ્કૂલોમાં શિક્ષકો પાસે એકથી વધુ વર્ગોનું ભારણ
સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થયુંને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે શિક્ષકોની ઘટ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમિતિમાં 1600 થી વધુ કાયમી શિક્ષકોની ઘટ છે ત્યારે હાલ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. સમિતિની શાળામાં 1600 ની ઘટ સામે હાલ માત્ર માત્ર 287 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક હજાર કરોડ કરતાં વધુનુ બજેટ ફાળવવામાં આવતુ હોય છે. નગર સમિતિ હસ્તકની શાળાઓમાં 5400 શિક્ષકોનું મહેક છે. જેમાં પરંતુ હાલ 1600 શિક્ષકોની ઘટ છે. તેમાં પણ ગુજરાતી માધ્યમની શાળામાં 700 થી વધુ શિક્ષકોની ઘટ છે. ગુજરાતી શિક્ષણ પ્રાયોરીટી હોવા છતાં આ ઘટ પૂરી કરવામાં શાસકો અને તંત્ર નિષ્ફળ સાબિત થયા છે. 1600 શિક્ષકોની ઘટ પુરી કરવા માટે તાજેતરમાં વિદ્યા સહાયક ભરતી મેળો યોજાયો હતો. જેમાં ઉર્દૂ માધ્યમમાં સૌથી વધુ 153 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. જ્યારે હિન્દી માધ્યમમાં 48, મરાઠી માધ્યમમાં 45, અંગ્રેજી માધ્યમમાં 28, ઉડીયા માધ્યમમાં 13 વિદ્યા સહાયકો મળી 287 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે.
સુરત શિક્ષણ સમિતિનું એક હજાર કરોડ કરતા વધુ બજેટ હોવા છતાં કાયમી ભરતી કરવાને બદલે સાથી સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે. હજી સુધી ગુજરાતી માધ્યમમાં 700 થી વધુની ઘટ છે. તેમ છતાં આ ભરતી આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે, ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે તેથી ઘણી શાળાઓમાં એવી હાલત છે કે એક શિક્ષક એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો પડે છે. જેના કારણે 30 ટકા સમય તો હાજરી પુરવામાં જ પુરો થઈ જાય છે અને બે કે ત્રણ વર્ગ હોવાથી શિક્ષક પણ વિદ્યાર્થીઓને ન્યાય આપી શકતા નથી. કામગીરીના ભારણ હેઠળ દબાયેલા શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે પરંતુ શાસકો ગુજરાતી માધ્યમના શિક્ષકોની ઘટ પૂરી કરવા માટેની કામગીરી કરતા ન હોવાથી ગરીબ વિદ્યાર્થીઓના માઠી અસર પડી રહી છે.