ગુજકોસ્ટના ઉપક્રમે સાયન્સ ઓલમ્પિયાડ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
- ગુજરાતના 1000થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો,
- આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડનો અનુભવ ધરાવતા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું,
- ઓલમ્પિયાડવિજેતાઓને JEEએડવાન્સ પરીક્ષામાંથી મુક્તિ આપીને સીધો પ્રવેશ આપે છે.
ગાંધીનગરઃગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 29 અને 30 ઓગસ્ટ,2025ના રોજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો અને સાયન્સ ઓલમ્પિયાડની તૈયારી માટે નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. ગુજરાતના 100થી વધુ શાળાઓના લગભગ 1000થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાયન્સ ઓલમ્પિયાડને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ગણિત, એસ્ટ્રોનોમી અને જુનિયર સાયન્સ જેવા વિષયોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત સ્પર્ધા તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને ઓલમ્પિયાડનું માળખું, પરીક્ષાની પદ્ધતિઓ અને અસરકારક તૈયારીની વ્યૂહરચનાઓ સમજવામાં મદદ મળી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવ એવા બે સિદ્ધિ પ્રાપ્ત ઓલમ્પિયાડ વિજેતાઓ, રુદ્ર પેથાણી (36મા આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલમ્પિયાડ, 2025ના સુવર્ણચંદ્રક વિજેતા) અને આગમ શાહ (55મા આંતરરાષ્ટ્રીય ફિઝિક્સ ઓલમ્પિયાડ,2025ના રજતચંદ્રક વિજેતા) એ પોતાના પ્રેરણાદાયક અનુભવો શેર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઓલમ્પિયાડની તૈયારી અને નિયમિત અભ્યાસ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું અને આ અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે કેવા સમર્પણની જરૂર છે તે વિશે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગુજકોસ્ટે આ કાર્યક્રમ માટે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડનો અનુભવ ધરાવતા નિષ્ણાત માર્ગદર્શકો અને પ્રોફેસરોને આમંત્રિત કર્યા હતા, જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું માર્ગદર્શન મળી રહે. આ સત્રોમાં શ્રી શિરીષ પાઠારે (ફિઝિક્સ), અચ્યુત બી. એસ.(જુનિયર સાયન્સ), તેજસ શાહ (એસ્ટ્રોનોમી), ડૉ. અમૃત કૃષ્ણ મિત્ત્રા (કેમેસ્ટ્રી), પ્રો. પી. જી. કાલે (બાયોલોજી) અને ડૉ. ઉદયન પ્રજાપતિ (ગણિત) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓલમ્પિયાડની પ્રક્રિયા બહુસ્તરીય હોય છે, જે નવેમ્બર 2025માં નેશનલ સ્ટાન્ડર્ડ એક્ઝામ (NSE) થી શરૂ થાય છે. આ માટે વિદ્યાર્થીઓએ 14 સપ્ટેમ્બર,2025 પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યારબાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી 2026માં ઈન્ડિયન નેશનલ ઓલમ્પિયાડ (INO) માં આગળ વધે છે. તે પછી, પસંદગી પામેલા વિદ્યાર્થીઓ ઓરિએન્ટેશન-કમ-સિલેક્શન કેમ્પ (OCSC) માં ભાગ લે છે, જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડ માટે તાલીમ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડનો પ્રવાસ 2026માં સમાપ્ત થાય છે, જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરશે. આ ઇવેન્ટ્સ ફિઝિક્સ માટે કોલંબિયા, કેમેસ્ટ્રી માટે ઉઝબેકિસ્તાન, બાયોલોજી માટે લિથુઆનિયા અને ગણિત માટે ચીનમાં યોજાશે. એસ્ટ્રોનોમી અને જુનિયર સાયન્સના સ્થળોની જાહેરાત હજુ બાકી છે ઓલમ્પિયાડમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓ માટે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રવેશના દ્વાર પણ ખુલે છે. IIT-કાનપુર, IIT-મદ્રાસ, IIT-બોમ્બે અને IIT ગાંધીનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ હવે ઓલમ્પિયાડ વિજેતાઓને JEEએડવાન્સ પરીક્ષામાંથી મુક્તિ આપીને સીધો પ્રવેશ આપે છે.
ગુજકોસ્ટ શાળાઓ, શિક્ષકો અને વાલીઓને આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને સતત સહકાર આપવા પ્રોત્સાહિત કરે છે. ઓલમ્પિયાડ્સ માત્ર વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નથી આપતા, પરંતુ તેમને સમસ્યા નિવારણ, સર્જનાત્મકતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા જેવા આવશ્યક કૌશલ્યો વિકસાવવામાં પણ મદદ કરે છે.