માર્કેટ યાર્ડ્સમાં પ્રતિકિલો 9ના ભાવે ખરીદાતી ડુંગળી ગ્રાહકોને 40થી 50ના ભાવે વેચાય છે
- કમિશન એજન્ટ્સ અને ફેરિયા દ્વારા ડબલ ભાવ લેવાતા હોવાની રાવ,
- છૂટક વેપારીઓ પર તંત્રનો અંકુશ ન હોવાથી ગ્રાહકોને મનફાવે ભાવ લઈ રહ્યા છે,
- ખેડૂતોને પુરતુ વળતર મળતુ નથી અને છૂટક વેપારીઓને વધુ લાભ
અમદાવાદઃ ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર અને બિયારણનો ખર્ચ કરીને કૃષિપાક તૈયાર કરીને જ્યારે યાર્ડમાં વેચવા માટે જાય છે.અને જે ભાવ મળે છે. તેના કરતા વધુ કમિશન એજન્ટ્સ અને છૂટક ફેરિયાઓ કમાતા હોય છે. કમોસમી વરસાદને લીધે ડુંગળી અને લીલા શાકભાજીના પાકને પણ સારૂએવું નુકસાન થયુ હતું. ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે જાય છે. ત્યારે પ્રતિકિલો 5થી 9 ઉપજે છે. એટલે કે ખેડૂતોએ પ્રતિકિલો રૂપિયા 9ના ભાવે વેચેલી ડુંગળી છૂટક માર્કેટમાં પ્રતિકિલો રૂપિયા 40થી 50ના ભાવે વેચવામાં આવે છે. એટલે ખેડૂતો કરતા પણ કમિશન એજન્ટ્સ અને છૂટક વેપારીઓ વધુ કમાણી કરી રહ્યા છે.
અમદાવાદ એપીએમસીમાં નાસિકની ડુંગળીની મોટા પાયે આવક થઈ છે. નોંધાયેલા ભાવ અનુસાર અમદાવાદ યાર્ડમાં સરેરાશ 200થી 300 રૂપિયે મણ લેખે મહારાષ્ટ્રની ડુંગળી વેચાઈ રહી છે. એપીએમસીના સેક્રેટરી સંજય પટેલના જણાવ્યાનુસાર, એપીએમસીમાં ઘણા સમયથી ડુંગળીના ભાવમાં કોઈ વધારો થયો નથી. હાલમાં પણ પ્રતિકિલો ડુંગળીના ભાવ રૂ. 6થી 9 ચાલી રહ્યો છે. આવક પણ યથાવત હોવાથી આ ભાવમાં હજી કોઇ વધારો થયો નથી.
રાજ્યમાં એક વર્ષમાં 3833 કરોડ રૂપિયાના કિંમતની ડુંગળી ઉત્પાદિત થાય છે. કેન્દ્ર સરકારના ‘સ્ટેટેસ્ટિકલ રિપોર્ટ ઑન વેલ્યુ ઑફ આઉટપુર ફ્રોમ એગ્રીકલ્ચર’ આ માહિતી છે. દેશમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ડુંગળી ગુજરાતમાં પેદા થાય છે છતાં ડુંગળીના ભાવ એક સરખા રહેતા નથી. કાળા બજાર, સંગ્રહખોરી જેવા કારણોને લીધે ભાવ વધે છે.