ભાવનગર જિલ્લામાં રવિ સીઝનમાં 15900 હેકટરમાં ડુંગળીનું વાવેતર
- ગુજરાતમાં ડુંગળીના કૂલ વાવેતરમાં ભાવનગરનો હિસ્સો 64 ટકા,
- ગોહિલવાડમાં ગત વર્ષની તુલનાએ આ વખતે ડુંગળીના વાવેતરમાં વધારો,
- ભાવનગર જિલ્લામાં 44000 હેટકરમાં વાવણીનું કાર્ય પૂર્ણ
ભાનગરઃ જિલ્લામાં રવિ સીઝનમાં હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં જિલ્લામાં ડુંગળી સહિત વિવિધ પાકોનું સરેરાશ 44000 હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ ડુંગળીનું 15900 હેકટરમાં વાવેતર થયું છે. જે રાજ્યમાં ડુંગળીના કૂલ વાવેતરમાં 64 ટકા વાવેતર ગોહિલવાડ પંથકમાં થયુ છે.
ભાવનગર જિલ્લામાં હાલ ગુલાબી ઠંડીનો માહોલ છે. ખરીફ પાકની લલણી બાદ ખેડુતોએ રવિ પાકના વાવેતરનો પ્રારંભ કર્યો હતો. હજુ પણ કેટલાક વિસ્તારોમાં વાવણી કાર્ય ચાલી રહ્યું છે. આ વખતે રવિ પાકના વાવેતરમાં ડુંગળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. એક જ સપ્તાહમાં જિલ્લામાં વાવેતરમાં 14,500 હેકટરનો વધારો એક જ સપ્તાહમાં થયો છે. ખાસ કરીને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના વાવેતરમાં એક સપ્તાહમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર 24,800 હેકટર થયું છે અને તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 15,900 હેકટરમાં થતા રાજ્યમાં ડુંગળીનું જે કુલ વાવેતર થયું છે તેના 64.11 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે ગત વર્ષે 52.40% વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું હતુ. આમ રાજ્યમાં ડુંગળીના વાવેતરમાં ભાવનગરનો હિસ્સો વધ્યો છે. ગોહિલવાડ પંથકમાં ડિસેમ્બર માસમાં ઠંડીનું પ્રમાણ વધતા હવે રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થશે.
ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરનો આંક 44,000 હેકટરને આંબી ગયો છે. જેમાં ડુંગળીનું વાવેતર 15,900 હેકટરે આંબી ગયું છે. જે ગત સપ્તાહે 11,600 હેકટર હતુ. એટલે કે એક જ સપ્તાહમાં જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 4300 હેકટરનો વધારો થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ડુંગળીનું વાવેતર 24,800 હેકટરના આંકને આંબી ગયું છે. જેમાં ભાવનગર જિલ્લો 15,900 હેકટર સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ નંબરે છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીના રાજ્યના કુલ વાવેતરના 64.11 ટકા વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉનું વાવેતર 7,400 હેકટરના આંકને આંબી ગયું છે. જ્યારે ચણાનું વાવેતર 5,100 હેકટર થયું છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં, ડુંગળી અને ચણા તેમજ અન્ય કઠોળના વાવેતરમાં આ વખતે વધારો થવાની શકયતા છે.
રાજ્યમાં ડુંગળીના વાવેતરના પ્રથમ 5 જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર જિલ્લામાં 15,900 હેકટર અમરેલી જિલ્લામાં 3,100 હેકટર, ગીર સોમનાથ જિલ્લામાં 3,000 હેકટર, રાજકોટ જિલ્લામાં 2,300 હેકટર, જૂનાગઢ જિલ્લામાં 100 હેકટર ડુંગળીનું વાવેતર થયુ છે.