અમદાવાદના શાસ્ત્રીબ્રિજ પરનો એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો
- બ્રિજ પર નિરીક્ષણ માટે મશીનરી મુકાશે,
- નારોલથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ વાહનો માટે પ્રતિબંધ,
- માત્ર વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે
અમદાવાદઃ શહેરના 82 જેટલા બ્રિજની મજબતાઈ તપાસવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 4 એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ત્યારે શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 પર સાબરમતી નદી પર આવેલા શાસ્ત્રી બ્રિજ (વિશાલા બ્રિજ)ના સમારકામ માટે એક તરફ રોડ આજથી બંધ કરવામાં આવ્યો છે. નારોલ- પીરાણાથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ બંધ કરીને ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોના અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતા એક જ તરફથી બંને તરફનો અવર-જવરનો રસ્તો ચાલુ રહેતો હોવાના કારણે વાહનોનો ટ્રાફિકજામ થયો હતો.
અમદાવાદ શહેરના વિશાલાનો શાસ્ત્રી બ્રિજ પર બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થઈ ગયું હોવાના કારણે તેને રીપેરીંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આજે તા. 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી પીરાણાથી વિશાલા જંકશન તરફ રીપેરીંગ અને નિરીક્ષણના કારણે મોટી મશીનરી મુકવાની હોવાથી એક તરફ બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માત્ર વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે બંને તરફથી વાહનો અવર-જવર કરી શકશે. જોકે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ભારે અને મધ્યમ પ્રકારના વાહનો ત્યાંથી પસાર થઈ શકશે નહીં.
શાસ્ત્રીબ્રિજ પર દરરોજ 5,000 થી વધારે વાહનો પસાર થાય છે. ફરી એકવાર શાસ્ત્રી બ્રિજને રીપેરીંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભૂતકાળમાં રીપેરીંગ દરમિયાન પણ આ જ પ્રકારે બ્રિજ પર એક જ તરફનો ભાગ ચાલુ રાખવામાં આવતા એક કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયો હતો. બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.