પાલનપુર- અંબાજી હાઈવે પર મેરવાડા બ્રિજ પર ગાબડુ પડતા એક સાઈડનો રોડ બંધ કરાયો
- હાઈવે પર ઉમરદશી નદી પરનો વર્ષો જુનો બ્રિજ છે
- બ્રિજને વન-વે કરાતાં વાહનોની લાંબી લાઈનો લાગી
- બ્રિજ પર મરામતની કામગીરી હાથ ધરાઈ
પાલનપુરઃ અંબાજી-પાલનપુર હાઈવે પર મેરવાડા નજીક ઉમરદશી નદીના બ્રિજ પર ગાબડું પડતા બ્રિજને વન સાઈડ બંધ કરવામાં આવ્યો છે.હાલ તાત્કાલિક ધારણે બ્રિજના મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. બ્રિજ પર એક તરફનો માર્ગ બંધ કરતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પોલીસે બેરીકેટ લગાવીને ટ્રાફિક જામ ન સર્જાય તે રીતે એક તરફ માર્ગે વાહનોને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર ચાલુ રાખ્યો છે.
પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય રોડ ઉપર રતનપુર મેરવાડા ગામના વચ્ચે ઉમરદશી નદી ઉપર વર્ષો જૂનો બ્રિજ આવેલા છે. આ બ્રિજ ઉપર અચાનક જ ગાબડું પડ્યું હતું અને ગાબડું પડતા વાહન ચાલકોમાં જોખમી બનેલા પૂલના કારણે અકસ્માતની ભીતી સેવવામાં આવી હતી. ત્યારે આ અંગેની જાણ થતાં તાત્કાલિક તાલુકા પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને એક તરફનો માર્ગ ચાલુ કરીને ટ્રાફિક જામ ન થાય તે રીતે વાહનોને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો.
સૂત્રોના કહેવા મુજબ પાલનપુરથી અંબાજી સહિત રાજસ્થાન અને સાબરકાંઠાને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી રાત દિવસ આ રોડ પર ભારે વાહનોની અવરજવર હોય છે. ત્યારે બ્રિજ પર એક તરફનો માર્ગ બંધ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે પોલીસે બેરીકેટ લગાવી યોગ્ય રીતે વાહન વ્યવહાર ચાલુ રાખ્યો હતો અને તંત્ર દ્વારા JCBની મદદથી ગાબડું પુરવાની કામગીરી પુરઝડપે શરૂ કરવામાં આવી હતી.
માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'બ્રિજમાં નહીં પરંતુ એપ્રોચ એટલે કે જે બ્રિજના પુરાણની જગ્યા છે ત્યાં ગાબડું પડ્યું છે, જે એટલું જોખમી નથી.' જ્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ ઉમરદશી નદી પર બનેલો આ બ્રિજ અંદાજે 65 વર્ષ જૂનો બ્રિજ છે. જે જર્જરિત અને જોખમી બનેલો છે સરકારમાં અગાઉ પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે સરકારે રજૂઆતોને ધ્યાને લઈ નવીન બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી છે. પરંતુ નવો બ્રિજ બને તે પહેલા જ અહીંયા ગાબડું પડ્યું છે. આ બ્રિજ હજુ વધુ જોખમી બને તે પહેલા આ બ્રિજ નવીન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.