અમદાવાદના નિકોલમાં નિર્માણાધિન બિલ્ડિંગની સાઈટ પર ભેખડ ધસી પડતા એકનું મોત
- ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડકા બે શ્રમિકો દબાયા
- એક શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક એક મોલની નિર્માણાધીન સાઈટ પર ભેખડ ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા જેમાંથી એકનું મોત નિપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. આ બનાવની જાણ ફાયરબ્રિગેડની ટીમને થતા ત્રણથી વધુ ગાડીઓ રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ભેખડમાં દટાયેલા બંને શ્રમિકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા જેમાં એકનું મોત નિપજ્યું હતુ. જ્યારે બીજા શ્રમિકની સારવાર ચાલી રહી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નિકોલ- વિરાટનગર રોડ પર મનમોહન પાર્ક ચાર રસ્તા નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટના ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડવાની ઘટના બની છે અને કેટલાક લોકો દટાયા છે. જેથી ફાયર સ્ટેશનની બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ શરૂ કરીને એક વ્યક્તિને સભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા વ્યક્તિને પણ 15 થી 20 મિનિટમાં બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું હતુ.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક ચાર રસ્તા પર કિંગસ્ટોન નામની બિલ્ડીંગની બાજુમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના અંગેનો મેસેજ મળતા ત્યાં ફાયરની ટીમ પહોંચી હતી. ત્યારે એક વ્યક્તિ અંદર દટાયેલો જોવા મળ્યો હતો અને તેના માથાના વાળ દેખાતા હતા જેથી તરત જ તેને સૌથી પહેલા માટી હટાવી અને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. માટીમાં દટાયેલા બીજા વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. બીજા વ્યક્તિને પણ 10 થી 15 મિનિટમાં શોધખોળ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યો હતો જો કે તેની હાલત ખૂબ ગંભીર હતી અને સંપૂર્ણ બેભાન અવસ્થામાં હતો. જેથી તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહોતું. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.