વડોદરામાં નર્મદા કેનાલમાં નહાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જતા મોત
- સમા-છાણી કેનાલમાં સાંજે બે યુવકો નહાવા પડ્યા હતા
- ખુલ્લી કેનાલ લોકો માટે ખતરા રૂપ બની, કેનાલ ફરતે ફેન્સિંગ કરવા માગ
- કેનાલમાં મોડી રાતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો
વડોદરાઃ નર્મદા કેનાલમાં નહાવા માટે પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક યુવાનો જીવના જોખમે કેનાલમાં નહાવા પડતા હોય છે. ત્યારે વડોદરા નજીક સમા છાણી કેનાલ રોડ પર આવેલી કેનાલમાં બુધવારે મોડી સાંજે નહાવા પડેલા બે યુવનો પૈકી એક યુવક તણાઇ જતા ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને કેનાલની બહાર યુવકના કપડા અને ચપ્પલ મળી આવ્યા હતા. સાંજે 7 વાગે શરૂ થયેલી આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી. મોડી રાત્રે યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો.
વડોદરા શહેરના રહેણાંક વિસ્તારમાંથી કેનાલ પસાર થઇ રહી છે. છાશવારે આ કેનાલમાં વ્યક્તિઓના ડૂબી જવાથી મોતની ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે ગતરાત્રે કેનાલમાં નહાવા પડેલા બે યુવકો પૈકી એક યુવકનું ડુબી જતા મોત નીપજ્યું હતુ. મૃતક યુવાન વોર્ડ નં 1ના કાઉન્સેલર જ્હા ભરવાડનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યુ છે. સ્થાનિકો દ્વારા કેનાલ ફરતે ફેન્સીંગની માંગણી કરવામાં આવી છે.
આ બનાવની વિગતો એવી છે કે, વડોદરા શહેરના વોર્ડ નં 1ના કાઉન્સેલર જ્હા દેસાઇનો ભત્રીજો પવન અને તેનો મિત્ર સાંજના સમયે કેનાલમાં નાહવા માટે ઉતર્યા હતા તે દરમિયાન પવન તણાઇ ગયો હતો. તાજેતરમાં જ તેને ધો 10 બોર્ડની પરીક્ષા પણ આપી હતી. આ રીતે યુવક કેનાલમાં ડૂબ્યો છે તેની ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીપી 13ની ફાયર બ્રિગેડની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી. તેની સાથે સાથી ઇઆરસીની બોટ વડે પણ શોધખોળની કામગીરી કરાઇ હતી. પરંતુ રાત્રે 9.45 સુધી પણ આ યુવકનો કોઇ પત્તો લાગ્યો ન હતો. યુવક ડૂબતા આસપાસના રહીશોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. આશાસ્પદ યુવક અચાનક ડૂબી જવાથી સ્થળ પર આવેલા પરિવારોએ આક્રંદ મચાવ્યો હતો. તે સાથે સ્થળ પર કાઉન્સેલર જ્હા ભરવાડ અને અન્ય કાઉન્સેલરો પણ આવી પહોંચ્યા હતા. જો કે મોડી રાત્રે તેનો મૃતદેહ મળ્યો હતો.