લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કરાયું, પક્ષમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યાં
નવી દિલ્હીઃ લોકસભામાં મતદાન બાદ 'વન નેશન વન ઈલેક્શન' બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં વિધેયક પાસ કરવાના પ્રસ્તાવના પક્ષમાં 269 સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે 198 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બંને ગૃહોની સંયુક્ત સમિતિને બિલ મોકલવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સૂચનને પગલે, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આ બિલને વિગતવાર ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવા વિનંતી કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલ પર લોકસભામાં નિવેદન આપ્યું હતું. લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, "જ્યારે આ બંધારણ સંશોધન બિલ કેબિનેટમાં ચર્ચા માટે આવ્યું ત્યારે વડાપ્રધાને પોતે કહ્યું હતું કે તેને જેપીસીને આપવામાં આવે. તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ."
અમિત શાહે વધુમાં કહ્યું કે, "મને લાગે છે કે ગૃહનો વધુ સમય પસાર કર્યા વિના, જો મંત્રી કહે કે તેઓ તેને જેપીસીને સોંપવા માટે તૈયાર છે, તો સમગ્ર ચર્ચા જેપીસીમાં થશે અને જેપીસી રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે, પરંતુ જો કેબિનેટ તેને પસાર કરશે તો પણ આખી ચર્ચા ફરીથી થશે. અમિત શાહ બાદ આ બિલ પર કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે નિયમ 74 હેઠળ તેઓ આ બિલ માટે JPCની રચનાનો પ્રસ્તાવ આપશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, "એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ એ માત્ર પ્રથમ સીમાચિહ્નરૂપ છે, વાસ્તવિક ઉદ્દેશ્ય નવું બંધારણ લાવવાનો છે. બંધારણમાં સુધારો કરવો એ એક બાબત છે, પરંતુ નવું બંધારણ લાવવું એ એક બાબત છે. આરએસએસ અને પીએમ મોદીનો વાસ્તવિક ઉદ્દેશ્ય આ છે.
દરમિયાન કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ બંધારણ અને લોકોના વોટના અધિકાર પર હુમલો છે. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે બિલના વિરોધમાં ભાષણો આપ્યા હતા. આ દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ આ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ નિર્ણય સાચી લોકશાહી માટે ઘાતક સાબિત થશે.