સંતરામપુરના ગલા તલાવડી ગામે મકાન તૂટી પડતા એકનું મોત, ત્રણને ઈજા
- મોડીરાતે પરિવાર ઊંધી રહ્યો હતો અને મકાન ધરાશાયી થયુ,
- ફાયરબ્રિગેડે કાટમાળમાંથી મૃત અને ઈજાગ્રસ્તેનો બહાર કાઢ્યા,
- ત્રણ ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર
સંતરામપુરઃ તાલુકાના ગલા તલાવડી ગામે મઘરાત બાદ એક કાચા મકાનની દીવાલ ધસી પડતા ઘરમાં નિંદર માણી રહેલા પરિવારના ચાર સભ્યો કાટમાળમાં દબાઇ ગયા હતા.આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવીને પરિવારના ચાર સભ્યોને બહાર કાઢ્યા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
આ બનાવની વિગતો એવી છે કે, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં એક મકાન ધરાશાયી થવાની ઘટના ગઈરાતે બની હતી. સંતરામપુર તાલુકાના ગલા તલાવડી ગામે કાચા મકાનની દીવાલ પડી ગઈ હતી. જ્યારે દીવાલ પડી ત્યારે ઘરમાં પરિવારના ચાર સભ્યો સૂતા હતા અને એકાએક દીવાલ પડતા તેઓ કાટમાળમાં દબાઇ ગયા હતા. જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.
આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. ફાયર વિભાગે કાટમાળ દૂર કર્યો અને નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, બહાર કાઢવામાં આવે તે પહેલાં જ પ્રવીણભાઈ નામના વ્યક્તિનું મોત થઈ ચુક્યું હતું. આ સિવાય અન્ય ત્રણ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા, જેમાંથી એકની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે.