કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત
- એસટી બસના ડ્રાઈવર-કંડકટર સહિત 15 પ્રવાસીઓ ઘવાયા
- થારના ચાલકનું ઘટના સ્થળે મોત
- થારમાં સવાર ત્રણ પ્રવાસીઓને થારનું પતરૂ કાપીને બહાર કાઢાયા
નડિયાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કપડવંજ-નડિયાદ હાઈવે પર થાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થારમાં સવાર 4 પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કપડવંજથી નડિયાદ જતી એસટી બસ અને થાર જીપ વચ્ચે અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં થારના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં થાર જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. થારમાં ફસાયેલા ચાલક સહિત ત્રણ પ્રવાસીઓને થારનું પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાનાં કપડવંજ-નડિયાદ હાઈવે પર કેનાલ નજીક થાર કાર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી થાર એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એસટી બસનાં ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો સહિત 15 જેટલાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. થાર જીપમાં સવાર 4 લોકો પૈકી એકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કપડવંજથી એસટી બસ નીકળી નડિયાદ તરફ જવા રવાના થઈ હતી. ત્યારે બપોરના ટાણે ફત્યાવાદ નજીક નર્મદા નહેરના પુલ પાસે થાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં થાર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. થાર ગાડીના ચાલક કૃણાલ જયંતીભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે થાર ગાડીનું પતરું ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો. મૃતદેહને પીએમ અર્થે કપડવંજ સીએચસીમાં પીએમ માટે મોકલી અપાયો હતો. મૃતક કૃણાલ (ઉં.વ.26) મૂળ સીલજ- ગાંધીનગર જિલ્લાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. નજીકના ગામ આંત્રોલીના કાળભાઈ મંગળભાઈની દીકરી કિંજલબેન સાથે બે વર્ષ અગાઉ જ કૃણાલના લગ્ન થયા હતા. કૃણાલને સંતાનમાં એક પુત્ર પણ હતો.