જામનગર-ખંભાળિયા હાઈવે પર બોલેરો જીપે પલટી ખાતાં એકનું મોત, 3ને ઈજા
- ચાર મિત્રો રાતે ચા પીવા માટે સિક્કા પાટિયા જઈ રહ્યા હતા,
- નાની ખાવડી ગામના પાટિયા પાસે ઢોર આડું ઉતરતા સર્જાયો અકસ્માત,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધા વધુ તપાસ હાથ ધરી
જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે બોલેરો જીપએ પલટી ખાતાં અકસ્માત સર્જાયો હતો બોલેરો જીપ પૂરફાટ ઝડપે જઈ રહી હતી. ત્યારે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો જીપ પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે સીકકા ગામના જ અન્ય ત્રણ યુવકો ઘાયલ થયા હતા. ચારેય મિત્રો સિક્કા પાટીયા પાસે ચા-પાણી પીવા જતાં રસ્તામાં આ અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, જામનગર નજીક સિક્કામાં રહેતો મહેબૂબ ગુલામ ખલીફા ઉપરાંત સોયબ અબ્દુલભાઈ ભગાડ (ઉ.વ. 19) તથા તેના અન્ય બે મિત્રો મહેબૂબ મુલ્લા અને અસગર અબ્બાસ કે જેઓ ચારેય મિત્રો સિક્કાથી બોલેરોમાં બેસીને ચા-પાણી પીવા માટે સિક્કા પાટીયા તરફ હાઈવે પર જતા હતા. જે દરમિયાન રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો રોડથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. જે અકસ્માતમાં સોયબ અબ્દુલભાઈ ભગાડ (ઉ.વ.વર્ષ 19) નો ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જેથી મૃતકના પરિવારમાં માતમ છવાયો છે. આ ઉપરાંત બોલેરોના ચાલક મહેબૂબ ગુલામ સહિત અન્ય ત્રણ મિત્રોને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કાના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ સાથે ઘટના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સોયબ ભગાડના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.