એક ભારત - શ્રેષ્ઠ સુવિકસીત ભારત : 2047ના મિશનને સાકાર કરવા સ્વામી વિવેકાનંદજીના પ્રેરક વિચારો આજે પણ પ્રાસંગિક
"એક ભારત - શ્રેષ્ઠ સુવિકસીત ભારત: 2047ના મિશનને સાકાર કરવું હશે તો આપણે આજે પણ સ્વામી વિવેકાનંદજીના આર્ષવાણીયુક્ત પ્રેરક ઉદ્બોધનને પુનઃ આત્મસાત કરવું જ રહ્યું" આવા પ્રેરક શબ્દોથી ઉદ્બોધન કરતા, રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના મહામંત્રી-ઓજસ્વી યુવા આગેવાન ઋત્વિ પટેલે ઉમેર્યુ કે, " 1893માં અમેરિકામાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદના યશસ્વી ઉદ્બોધન પછી સ્વામી વિવેકાનંદજીએ 1897માં સ્વદેશાગમન કર્યુ. 14 ફેબ્રુઆરી 1897ના ઐતિહાસિક દિવસે તત્કાલિન મદ્રાસમાં યુવાવર્ગને આકર્ષણયુક્ત ઉદ્બોધન કરતા સ્વામી વિવેકાનંદજીએ પ્રેરકવાણી ઉચ્ચારી કે ' આવતા 50 વર્ષ એકમાત્ર આપણી ભારતમાતાને જ પૂર્ણ સમર્પિત થઈ રહીએ. અને બરાબર 50 વર્ષ પછી જ 1947માં ભારત સ્વતંત્ર પણ થયું.' ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવન ખાતે રાજ્યશાસત્ર વિભાગના છાત્રગણને ઉદ્બોધન કરતા ઋત્વિબહેને સ્વામી વિવેકાનંદજીના સ્વપ્નનું ભારત સર્જવાનો પ્રેરક અનુરોધ કર્યો.
રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આ સમારંભમાં રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ અને રાજ્યશાસત્રના નિવૃત પ્રાધ્યાપક હર્ષદ યાજ્ઞિકે સ્વામી વિવેકાનંદજીના સર્વસમાવેશક વિચારોની અનિવાર્યતા પ્રસ્તુત કરી. રાજ્યશાસ્ત્ર વિભાગાધ્યક્ષ પ્રા. ડૉ. હિતેશ પટેલે સ્વામી વિવેકાનંજીના પ્રેરક વિચારો આત્મસાત કરવા છાત્રગણને અનુરોધ કર્યો. પ્રા. ડૉ. રંજના ધોણકિયાએ સ્વામી વિવેકાનંદજીના પદચિન્હો ઉપર પ્રસ્થાન કરવા માટે છાત્રગણને આહ્વાન કર્યુ હતું. ઋત્વિબહેને સંમારંભના અંતે છાત્રગણ સાથે વિચારોત્તેજક સખ્ય-સંવાદયુક્ત પ્રશ્નોત્તરી પ્રસ્તુત કરી. જેમા છાત્રગણે સક્રિય ભાગીદારી કરીને તેમની ભારતભક્તિ પ્રસન્નતા અભિવ્યક્ત કરી. સમૂહમાં રાષ્ટ્રગાન સાથે સમારહ સપન્ન થયો.