દહેગામ-બાયડ રોડ પર બે બાઈક સામસામે અખડાતા એકનું મોત
- અકસ્માતનો ભોગ બનેલો યુવાન હોસ્પિટલમાં વોર્ડબોયની નોકરી કરતો હતો
- ગંભીરરીતે ઘવાયેલા યુવાનને ગાંધીનગર ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ દહેગામ બાયડ રોડ પર સર્જાયો હતો. દહેગામ-બાયડ રોડ પર સાંપા ગામ નજીક બે બાઈક વચ્ચે સામસામે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. મૃતક વિક્રમ રેવાભાઈ ચમાર અમદાવાદના નરોડા સ્થિત આનંદ સર્જીકલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, દહેગામ-બાયડ રોડ પર બપોરે લગભગ ત્રણ વાગ્યે વિક્રમ પોતાના વતન જવા માટે બાઈક લઈને નીકળ્યો હતો. સાંજના સમયે તેના મોટા ભાઈ કિશનકુમારને કોઈ અજાણ્યા વ્યક્તિએ વિક્રમના મોબાઈલથી ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. આ માહિતી મળતાં જ કિશન, તેનો ભાઈ કુલદીપ અને જીજાજી મેહુલભાઈ તાત્કાલિક દહેગામ તરફ રવાના થયા હતા. રસ્તામાં વિક્રમના ફોન પર સંપર્ક કરતા 108ના કર્મચારીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તને દહેગામ સરકારી દવાખાને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યાંથી વિક્રમને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દહેગામ-બાયડ રોડ પર GJ-20-AM-8364 નંબરના બાઈક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મૃતકના ભાઈ કિશનની ફરિયાદના આધારે દહેગામ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક વિક્રમ અરવલ્લી જિલ્લાના ખલીકપુર ગામનો વતની હતો અને હાલમાં નરોડા ખાતે રહેતો હતો.