અમદાવાદમાં કાલે રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચ, જાણો ક્યા રસ્તાઓ બંધ રહેશે
- જનપથથી સ્ટેડિયમ થઈને મોટેરા ગામ જતો રસ્તો સવારે 9 વાગ્યાથી વાહનો માટે બંધ
- વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ પર વાહનો સાથે જઈ શકાશે
- અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે તા. 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ યોજાશે. ગઈકાલે સોમવારે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાત્રે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે મેચને લીધે તંત્ર દ્વારા તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ મેચને લઈને મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા આવવાના છે. ત્યારે જનપથથી સ્ટેડિયમ થઈને મોટેરા ગામ જતા રસ્તા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે કાલે બુધવારે સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવશે. જે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે 12 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચ યોજાશે. જેને લઇને અનેક લોકો મેચ જોવા આવવાના છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જે માટે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે. કાલે સવારે 9 વાગ્યાથી લઈને મેચ પૂરી ના થાય ત્યાં સુધી જનપથથી સ્ટેડિયમ થઈને મોટેરા ગામ તરફ જતા રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવર કરતા વ્યક્તિઓ તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જનપથથી લઈને મોટેરા સ્ટેડિયમથી કૃપા રેસિડેન્સિથી મોટેરા ગામ સુધીનો જતો-આવતો રસ્તો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે. વૈકલ્પિક માર્ગ જઈ શકાશે. જેમાં તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના રસ્તા પર વાહન વ્યવહારની અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસિડેન્સિથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.