એક દેશ, એક ચૂંટણીઃ સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠકમાં બે બિલ રજૂ કરાશે
નવી દિલ્હીઃ આજરોજ સંસદમાં જેપીસીની પ્રથમ બેઠક એક દેશ એક ચૂંટણી અંગે યોજાશે. આ બેઠક બંધારણ (એકસો અને 29મો સુધારો) બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 ની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સભ્યોને આ બે મુખ્ય બિલોથી માહિતગાર કરવાનો છે. આ બેઠકમાં કાયદા અને ન્યાય મંત્રાલયના અધિકારીઓ પ્રસ્તાવિત કાયદાઓની જોગવાઈઓ વિશે માહિતી આપશે.
બિલને 17 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું
તો એક રાષ્ટ્ર, એક ચૂંટણીના બિલને 17 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેપીસીનું નેતૃત્વ ભાજપના સાંસદ પી.પી. ચૌધરી કરશે. આ સમિતિમાં કુલ 39 સભ્યો છે, જેમાંથી 27 લોકસભા અને 12 રાજ્યસભાના છે. જેપીસીનું મુખ્ય કાર્ય લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એકસાથે ચૂંટણી યોજવાની શક્યતા અને યોજનાની તપાસ કરવાનું રહેશે. આ ઉપરાંત આ સમિતિ પુડુચેરી, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર જેવા કેન્દ્રશાસિત પ્રદેશોની ચૂંટણીને લોકસભા ચૂંટણી સાથે જોડવાના પ્રસ્તાવનું પણ મૂલ્યાંકન કરશે.
298 સાંસદોએ તરફેણમાં અને 198 વિરોધમાં મતદાન કર્યું
જેપીસીના સભ્યોમાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા, ભાજપના અનુરાગ ઠાકુર અને અનિલ બલુની, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી અને સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ જેવા વિપક્ષી નેતાઓનો પણ સમાવેશ થાય છે. સમિતિની ચર્ચાઓ અને ભલામણો ભારતની ચૂંટણી પ્રક્રિયાના ભાવિને પ્રભાવિત કરશે. લગભગ 90 મિનિટ સુધી ચાલેલી ચર્ચા પછી કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે લોકસભામાં બંધારણ (129મો સુધારો) બિલ રજૂ કર્યું છે. આ મત વિભાજનમાં 298 સાંસદોએ તરફેણમાં અને 198 વિરોધમાં મતદાન કર્યું. ત્યારપછી આ બિલને વધુ તપાસ માટે સમિતિને મોકલવામાં આવ્યું હતું.
એકસાથે ચૂંટણી યોજવાથી શાસનમાં સુધારો થશે
સરકાર દલીલ કરે છે કે એકસાથે ચૂંટણી યોજવાથી શાસનમાં સુધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે. જ્યારે વિરોધ પક્ષો સંઘીય માળખા પર તેની અસર અંગે ચિંતિત છે. જેપીસી આ ચિંતાઓને દૂર કરવામાં અને આ ઐતિહાસિક ચૂંટણી સુધારણા પર સર્વસંમતિ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.