એક દેશ-એક ચૂંટણી : 8 જાન્યુઆરીએ JPCની પ્રથમ બેઠક
નવી દિલ્હીઃ 'એક દેશ-એક ચૂંટણી' પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની પ્રથમ બેઠક 8 જાન્યુઆરીએ યોજાશે. જેપીસીના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ આ બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
સંસદીય સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, આ બેઠકમાં અધિકારીઓ બે મહત્વપૂર્ણ બિલ - બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશ (કાયદો) સંશોધન બિલ વિશે માહિતી આપશે. આ બિલોનો હેતુ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવા માટે જરૂરી ફેરફારો કરવાનો છે. તમને જણાવી દઈએ કે આ બિલો ગયા અઠવાડિયે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી, તેમને શિયાળુ સત્રના અંતિમ દિવસે સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યા હતા.
આ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરવામાં આવી હતી. અગાઉ કમિટીમાં સભ્યોની સંખ્યા 31 હતી પરંતુ જ્યારે ઘણા રાજકીય પક્ષોએ તેમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેની સંખ્યા વધારીને 39 કરવામાં આવી હતી. ભાજપના સાંસદ પી.પી. ચૌધરી સમિતિના અધ્યક્ષ છે જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, મનીષ તિવારી અને ઘણા પ્રથમ ગાળાના સાંસદો - પ્રિયંકા ગાંધી, બાંસુરી સ્વરાજ અને સંબિત પાત્રા પણ સમિતિના સભ્ય છે. સમિતિમાં લોકસભાના 27 સભ્યો અને રાજ્યસભાના 12 સભ્યો એટલે કે કુલ 39 સભ્યોનો સમાવેશ થાય છે.