મુંબઈ એરપોર્ટ પર 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજા સાથે એકની ધરપકડ
• 3 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો
• બેંગકોકથી ગાંજાની કરાતી હતી દાણચોરી
• જથ્થો બેંગ્લોર પહોંચાડવાનો હતો
મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે, બેંગકોકથી 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવા બદલ, એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કસ્ટમ સૂત્રોએ સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, શનિવારે બેંગકોકથી એરપોર્ટ પર પહોંચેલા એક મુસાફરના સામાનમાંથી 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આ પછી, આરોપી મોહમ્મદ શરીફની ધરપકડ કરવામાં આવી હતી અને ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. કસ્ટમ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી કેરળનો રહેવાસી છે અને બેંગલુરુમાં એક દાણચોરને પ્રતિબંધિત ગાંજો પહોંચાડવા જઈ રહ્યો હતો.
પૂછપરછ દરમિયાન, આરોપીએ જણાવ્યું કે, તે વધુ પૈસા કમાવવાના લોભમાં સ્વેચ્છાએ ડ્રગ્સની દાણચોરી કરતો હતો. આ તેની પહેલી તક હતી. પૂછપરછ દરમિયાન, આરોપીએ કબૂલાત કરી કે, તે 27 માર્ચે હાઇડ્રોપોનિક ગાંજા ખરીદવા માટે બેંગલુરુ એરપોર્ટથી બેંગકોક ગયો હતો. બેંગલુરુમાં રહેતા મુખ્ય આરોપીએ તેને પ્રતિ કિલોગ્રામ 1.5 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ કિસ્સામાં, કસ્ટમ ટીમ બેંગલુરુમાં મુખ્ય દાણચોરને શોધી રહી છે.