શ્રાવણ મહિનાના પ્રારંભના પ્રથમ દિવસે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા
- મંદિરોમાં મહાદેવજીના દર્શન માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જામી,
- શિવજીને જળ, દૂધ, દહીં, પુષ્પો અને બિલિપત્ર ચડાવીને પૂજા-અર્ચના કરાઈ,
- સોમનાથ મહાદેવજીના મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા
અમદાવાદઃ શ્રાવણ મહિનાના પ્રારંભના આજે પ્રથમ દિવસે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં મહાદેવજીના દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, સહિત તમામ શહેરો અને ગામડાઓમાં પણ મહાદેવજીના મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિરમાં વહેલી સવારથી શિવભક્તોનો સાગર છલકાયો હતો.
અરબી સમુદ્ર તટે બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ યોજાશે. "સોમનાથ તીર્થ છે તૈયાર, ઉજવવા શ્રાવણનો તહેવાર" એવા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસર "હર હર ભોલે" અને "જય સોમનાથ"ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થયા હતા.
સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવનાં દર્શને પધારતા હોય છે. દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતાં વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવનાં દર્શને પધારવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
રાજ્યમાં અમદાવાદ સહિત તમામ શિવ મંદિરોમાં ભક્તોએ મહાદેવજીને પુષ્પ, બિલિપત્ર, દૂગ્ધ, દહીંને અભિષેક કરીને પૂજા અર્ચના કરી હતી. શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સુપ્રસિદ્ધ કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભગવાન શિવજીને જળ, દૂધ, દહીં, પુષ્પો અને બિલિપત્ર ચડાવીને ભક્તો ધન્યતા અનુભવી હતી. શહેરના અમરનાથ, બિલેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, ચકૂડિયા મહાદેવ સહિત તમામ મંદિરોમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જોવા મળી હતી.
સુરત શહેરમાં વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ શિવલિંગ પર જળ,દૂધ બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી. સુરતના ઓલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ, કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ, અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ, ડુમસ રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ, અઠવા લાઈન્સ સ્થિત ઈચ્છાનાથ મહાદેવ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ શિવાલયમાં પહોંચ્યા હતા. બમ બમ ભોલેના નાદથી શિવાલયોથી ગુંજી ઉઠ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શહેરમાં આવેલા મોટાનાથ, ભીમનાથ મહાદેવ, લકુલીશ, ઋણ મુક્તેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ વ્યાસેશ્વર મહાદેવ, જિલ્લાના કુબેર ભંડારી સહિત નાના-મોટા શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે ધસારો જોવા મળી રહ્યો છે.
રાજકોટનાં 150 વર્ષ જૂના ઐતિહાસિક પંચનાથ મંદિરે પણ શિવ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જ્યારે ભાવનગર શહેરમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર, કૃષ્ણેશ્વર મહાદેવ હલુરીયા ચોક, ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, જશોનાથ મહાદેવ, ભીડભંજન નારેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત જામનગર, જુનાગઢ. પોરબંદર સહિત તમામ શહેરોમાં મહાદેવજીના મંદિરોમાં ભાવિકો મહાદેવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.