વડોદરામાં હરણી બોટકાંડની પ્રથમ વરસીએ વાલીઓએ શાળામાં જઈને આપી શ્રદ્ધાંજલિ
- એક વર્ષ પહેલા હરણી લેકમાં બોટ પલટી જતાં 12 બાળકોના મોત નિપજ્યા હતા
- સ્કૂલ સંચાલકો શ્રદ્ધાંજલિ સભામાં ન જોડાતા વાલીઓમાં રોષ
- સ્કૂલની દિવાલ પર વાલીઓએ પ્લે કાર્ડ લગાવ્યા
વડોદરાઃ શહેરમાં એક વર્ષ પહેલા હરણી બોટકાંડ સર્જાયો હતો. જેમાં શાળાના 12 બાળકો અને બે શિક્ષકોના ડુબી જતાં મોત નિપજ્યા હતા. તત્કાલિન સમયે આ બનાવની હાહાકાર મચી ગયો હતો. આજે આ દુઃખદ ઘટનાની પ્રથમ વરસીએ વાલીઓએ શાળામાં જઈને 12 બાળકો અને બે શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે વાલીઓએ કહેવા છતાંયે શાળાના સંચાલકો શ્રદ્ધાંજલિ સભામાં ન જોડાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
વડાદરાના હરણી બોટ કાંડની આજે પહેલી વરસી હતી. આજથી બરાબર એક વર્ષ પહેલા આ જ દિવસે હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોન તળાવમાં બોટ પલટી જવાના કારણે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટયા હતા. આજે આ બાળકોના વાલીઓ શ્રધ્ધાંજલિ આપવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને વારંવાર વિનંતી કર્યા બાદ પણ સ્કૂલના સંચાલકો કે શિક્ષકો શ્રધ્ધાંજલિ આપવામાં ન જોડાતા વાલીઓ રોષે ભરાયા હતા. વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો એટલા નફફટ છે કે, આજે સ્કૂલ પણ ચાલુ રાખી છે. એટલું જ નહીં શાળા સંચાલક શ્રધ્ધાંજલિ આપવા માટે પણ જોડાયા નથી. શાળા સંચાલકો પણ અમારા બાળકોના મોત માટે એટલા જ જવાબદાર છે.કારણકે અમે તેમને અમારા બાળકો સોંપ્યા હતા અને આ બાળકો ક્યારેય ઘરે નહોતા પહોંચ્યા..ઉલટાનું તેઓ તો પોતે નિર્દોષ છે અને સ્કૂલની કોઈ જવાબદારી બનતી નથી તેવો દાવો કરી રહ્યા છે.
બીજી તરફ બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે પીડિત પરિવારને ન્યાય આપવાની માગ અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપનો એકપણ નેતા જોવા મળ્યો નહોંતો.
દરમિયાન વાલીએ જણાવ્યું હતું કે, પોલીસનો કાફલો સ્કૂલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. મૃત બાળકોના વાલીઓ પોલીસને જોઈને વધારે ભડકયા હતા.તેમણે બાળકોને શ્રધ્ધાંજલિ આપતું બેનર પણ સ્કૂલમાંથી ઉતારી લેવાની ફરજ પાડી હતી અને એ પછી બેનર પર ન્યૂ સનરાઈઝ સ્કૂલ લખેલો હિસ્સો ફાડી નાંખ્યો હતો.