રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિએ મુખ્યમંત્રીએ કિર્તિમંદિરમાં જઈ આપી શ્રદ્ધાંજલિ
- પૂ. બાપુના જીવનકવન અને જન્મસ્થળની માહિતી આવરી લેતાં QR કોડનું લોકાર્પણ,
- મુખ્યમંત્રીએ પ્રાર્થનાસભામાં સહભાગી થઈને દિવ્ય ચેતનાને વંદન કર્યા,
- પોરબંદરમાં મુખ્યમંત્રીએ પ્રથમવખત કસ્તૂરબા ધામની મુલાકાત લીધી
પોરબંદરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતી નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મસ્થળ પોરબંદરમાં કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુના જીવનકવન અને જન્મસ્થળની માહિતી આવરી લેતાં ક્યૂઆર (QR) કોડનું પણ લોકાર્પણ કર્યું હતું. આ નવી સુવિધા દ્વારા હવે પ્રવાસીઓને બાપુના જીવન-કવન વિશેની તમામ માહિતી આંગળીના ટેરવે સરળતાથી ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાર્થનાસભામાં સહભાગી થઈને આ દિવ્ય ચેતનાને વંદન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઉદ્બોધનમાં મહાત્મા ગાંધીજીના યોગદાનને યાદ કરતા કહ્યું કે, ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારતની પીઠિકા ઘડી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' મંત્રને ગાંધીજીના સ્વદેશીના વિચાર સાથે જોડતાં જણાવ્યું કે, વડાપ્રધાને સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપી છે.
મુખ્યમંત્રીએ બાપુને અંજલિ આપતાં કહ્યું કે, મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવનું ચિત્ર નજર સમક્ષ ઉપસી આવે છે. તેમણે સૌને અસત્ય પર સત્યના વિજય પર્વ વિજયાદશમીની પણ શુભકામનાઓ પાઠવી હતી. ગાંધી જયંતીના આ પાવન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતાં ક્યૂઆર કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ક્યૂઆર કોડના માધ્યમથી પ્રવાસીઓને બાપુના જીવનકવન અને સ્થાપત્ય વિશેની તમામ માહિતી આંગળીના ટેરવે સરળતાથી ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રીએ કીર્તિમંદિર બાદ કસ્તૂરબા ધામની પણ પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રાર્થનાસભામાં મૌલિકભાઈ અને ગાયન વૃંદ દ્વારા 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' સહિતના ભક્તિ ભજનોની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પોરબંદર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોરબંદરને ચક્રધારી મોહન (શ્રીકૃષ્ણના સખા સુદામા) અને ચરખાધારી મોહન (રાષ્ટ્રપિતા બાપુ)ની ભૂમિ ગણાવી હતી. મંત્રીએ કહ્યું કે, બાપુ સ્વચ્છતા અને સ્વદેશીના આગ્રહી હતા.