ધૂળેટીના દિને 108 ઈમરજન્સી સેવાને અકસ્માતના 715, મારામરીના 360 કોલ મળ્યા
- મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકાનો વધારો નોંધાયો
- અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના ઈમરજન્સી કેસ નોંધાયા
- સામાન્ય દિવસોની તુલનાએ રોડ અકસ્માતના કેસમાં વધારો નોંધાયો
અમદાવાદઃ રાજ્યમાં જાહેર રજાના દિવસે 108 ઈમજન્સીના કેસમાં વધારો થતો હોય છે. ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોમાં મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ બની હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો હતો, જ્યારે 3485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.
108 ઈમરજન્સી સેવાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતના 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા. જે અકસ્માતના કેસમાં ઈમજન્સી મદદ માટેના કોલ્સ મળ્યા જેમાં અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 કોલ્સ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા. જાહેર રજાઓમાં હાઈવે પર વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. અને રોડ અકસ્માતના બનાવોમાં પણ સરેરાશ વધારો જોવા મળતો હોય છે.