પહેલગામ હુમલા પછી કાશ્મીરમાં પ્રવાસીઓની ગેરહાજરીથી ઓમલ અબ્દુલ્લાએ વ્યક્ત કરી ચિંતા
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફરી એકવાર પહેલગામ હુમલા અને જમ્મુ-કાશ્મીર પર તેની અસર અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ગુજરાતના પ્રવાસે રહેલા ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામ હુમલાથી પ્રવાસન ઉદ્યોગને અસર થઈ હોવા છતાં, કાશ્મીર હજુ પણ પ્રવાસીઓથી ખાલી નથી. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસનને ફરીથી સક્રિય કરવાના ઉદ્દેશ્યથી ગુજરાતના પ્રવાસ પર છે. આ દરમિયાન, તેમણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની મુલાકાત લીધી અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ પર મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સ્વીકાર્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં પ્રવાસનને મોટો ફટકો પડ્યો છે. આ હુમલામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા, જેના કારણે ખીણમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આપણે એ હકીકત પ્રત્યે આંખ આડા કાન કરી શકીએ નહીં કે વ્યસ્ત પ્રવાસન મોસમની શરૂઆતમાં જ તે હુમલાએ બધું બદલી નાખ્યું હતું. લોકો રાતોરાત કાશ્મીર છોડી ગયા."
જોકે, ઓમર અબ્દુલ્લાએ એ પણ સ્પષ્ટતા કરી કે કાશ્મીર સંપૂર્ણપણે ઉજ્જડ નથી. તેમણે કહ્યું કે પ્રવાસન ઉદ્યોગના લોકો નિરાશામાં બેઠા નથી, પરંતુ પ્રવાસીઓને ફરીથી રાજ્યમાં આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું, "માતા વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ કાશ્મીર પહોંચ્યા છે. અમે ગુજરાત આવીને સંદેશ આપ્યો છે કે કાશ્મીર હજુ પણ એક સુરક્ષિત અને સુંદર પર્યટન સ્થળ છે."
તેમણે તેમના ગુજરાત પ્રવાસની પ્રશંસા કરી અને કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા મોડેલોને જમ્મુ અને કાશ્મીરમાં પણ અપનાવી શકાય છે. ઓમરે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે દેશના અન્ય ભાગોના લોકો ડરને બદલે આત્મવિશ્વાસ સાથે કાશ્મીર આવે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે પર્યટન માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ જમ્મુ અને કાશ્મીરની ઓળખ અને અર્થતંત્રની કરોડરજ્જુ છે, અને તેને પુનર્જીવિત કરવાની જવાબદારી દરેકની છે.