અમદાવાદમાં લાલ દરવાજા ખાતે સિટીબસમાંથી પટકાતા વૃદ્ધનું મોત
- AMTSના ચાલકે જોરદાર બ્રેક મારતા સીડીમાં ઊભેલા વૃદ્ધ રોડ પર પટકાયા,
- બસચાલકની બેદરકારી સામે પ્રવાસીઓમાં રોષ,
- પોલીસે બસચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસ સેવા કોન્ટ્રાક્ટ પર ચાલી રહી છે. અને બસના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ડ્રાઈવરો બેફામ બસ ચલાવતા હોય છે. ત્યારે ડ્રાઈવરની બેદરકારીને લીધે એક વૃદ્ધને જીવ ગુમાવવો પડ્યો છે. શહેરના લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે એક સિનિયર સિટીઝન બસમાં ચઢી દરવાજા પાસે ઊભા હતા. ત્યારે બસના ચાલકે બસને એકાએક બ્રેક મારતા બસની સીડીમાં ઊભેલા વૃદ્ધએ બેલેન્સ ગુમાવ્યુ હતું અને રસ્તા પર પટકાયા હતા, જેથી ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે એએમટીએસ બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, દસ્ક્રોઈના નવા ગામમાં રહેતા 68 વર્ષીય પ્રભાતભાઈ પરમાર પત્ની સવિતાબેન સાથે વીએસ હોસ્પિટલ જવા માટે બારેજાથી નીકળ્યા હતા.બારેજાથી બસમાં બેસીને લાલ દરવાજા આવ્યા હતા, જ્યાંથી તેઓ એએમટીએસ બસ સ્ટેન્ડ પરથી બસમાં બેસવા ગયા હતા. પ્રભાતભાઈ બસમાં ચઢી ગયા હતા, પરંતુ સવિતાબેન ચઢી શક્યા ન હતા અને બસના ચાલકે બસ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન અચાનક જ બસના ચાલકે બ્રેક મારતા દરવાજા પાસે સીડી પર ઊભેલા પ્રભાતભાઈ રસ્તા પર પટકાયા હતા, જેથી તેમને માથાના તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ સવિતાબેન તથા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પ્રભાતભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટુકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ એએમટીએસ બસના ચાલકે અચાનક બ્રેક મારી હોવાથી પ્રભાતભાઈનું બેલેન્સ ગયું અને બસમાંથી રસ્તા પર પટકાઈ પડ્યા હોવાથી સવિતાબેને આ મામલે બસચાલક સામે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.