ઓડિશા સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને આપી દિવાળીની ભેટ, ભથ્થામાં 2 ટકા વધારો
નવી દિલ્હીઃ ઓડિશા સરકારે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)માં કાર્યરત કર્મચારીઓને આર્થિક રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દિવાળી પહેલાં PSU કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. આ નવા વધારાથી કર્મચારીઓનું કુલ ડીએ 53 ટકાથી વધીને 55 ટકા થઈ જશે. આ વધારાનો અમલ 1 જાન્યુઆરી, 2025થી થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આશરે 8.5 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે.
અહેવાલ મુજબ, વધારેલું ડીએ પગાર સાથે કેશમાં ચૂકવવામાં આવશે જેથી કર્મચારીઓને બાકી રકમ પણ મળી રહે. ગયા વર્ષે ઑક્ટોબર 2024માં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે ડીએ 50 ટકાથી વધીને 53 ટકા થયું હતું. હવે તાજા વધારા સાથે સરકારનો હેતુ વધતી મોંઘવારીના પ્રભાવને ઓછો કરવાનો અને કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો કરવાનો છે.
ઓડિશા સરકારે પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં પણ 2 ટકાનો વધારો જાહેર કર્યો છે. રાજ્ય સરકારના આ પગલાનું વિવિધ કર્મચારી સંઘોએ સ્વાગત કર્યું છે. ઘણા લોકોએ તેને સરકારી સેવા અને પેન્શન પર આધારિત હજારો પરિવારોની આર્થિક સુરક્ષા માટેનું સકારાત્મક પગલું ગણાવ્યું છે. સામાન્ય રીતે, કેન્દ્ર અને રાજ્ય સરકારો સમયાંતરે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે, જે તેમની મૂળ પગાર પર ગણવામાં આવે છે.