નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયોઃ અમિત શાહ
નવી દિલ્હીઃ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને છ થઈ હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નક્સલવાદ પ્રત્યે નિર્દય અભિગમ અપનાવીને અને સર્વાંગી વિકાસ માટે અથાક મહેનત કરીને "મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત"નું નિર્માણ કરી રહી છે.
તેમણે કહ્યું કે ભારત 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. "નક્સલવાદ મુક્ત ભારત બનાવવા તરફ એક મોટું પગલું ભરતા, આજે આપણા દેશે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટાડીને ફક્ત છ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે.”
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત જિલ્લાઓ એવા છે જ્યાં નક્સલવાદી પ્રવૃત્તિઓ અને હિંસા હજુ પણ ચાલુ છે. વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓને 'સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ' તરીકે પેટા-વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ એક પરિભાષા છે જે 2015 માં રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, "જિલ્લાઓ જ્યાં ચિંતા છે" ની પેટા શ્રેણી પણ છે. આ પેટા શ્રેણી 2021 માં બનાવવામાં આવી હતી. છેલ્લી સમીક્ષા મુજબ, 12 'સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ' હતા. સત્તાવાર રેકોર્ડ મુજબ, 2015 માં આવા 35 જિલ્લાઓ, 2018 માં 30 જિલ્લાઓ અને 2021 માં 25 જિલ્લાઓ હતા.