ગુજરાત કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ હોવાથી પુનઃ શરૂ કરવા NSUIની રજુઆત
- વર્ષ 2020થી હોસ્ટેલ બંધ હાલતમાં છે
- બહારગામના વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાની ફરજ પડી રહી છે
- કોલેજમાં શૌચાલય કે પાવાના પાણીની પુરતી સુવિધા નથી
અમદાવાદઃ શહેરની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાં આવેલી હોસ્ટેલ ઘણા સમયથી બંધ હાલતમાં છે, વર્ષ 2020 થી એટલે કે, કોરોના વખતથી હોસ્ટેલ બંધ છે, તેના લીધે બહાર ગામના વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાની ફરજ પડી રહી છે. તેથી બંધ કરાયેલી હોસ્ટેલ પુનઃ શરૂ કરવા માટે કોલેજના સત્તાધિશોને રજુઆત કરી છે.
ગુજરાત કોલેજમાં બહારગામના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કોલેજની હોસ્ટેલ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઘણી બધી અગવડો અને રહેવાની મુશ્કેલીઓ પડી રહી છે. બહારના જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ જેને રહેવાની સુવિધા ના હોય તે કારણે તેઓ અન્ય બીજી જગ્યા અથવા હોસ્ટેલમાં કે પીજીમાં તોતિંગ ફી આપવી પડે છે. બહારગામથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ ભણવા માટે ગુજરાત કોલેજ આવતા હોય છે. જો ગુજરાત કોલેજ ખાતે આવેલી હોસ્ટેલ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધા મળી શકે છે.
ગુજરાત કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધા ન હોવાથી પ્રવેશ મેળવતા નથી. અને હાલમાં બહારગામના જે વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે તેને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત કોલેજની હોસ્ટેલ શરૂ કરવામાં આવે તે માટે એનએસયુઆ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
એનએસયુઆઈની યાદીમાં જણાવાયુ છે કે, ગુજરાત કોલેજમાં ઘણા સમયથી કેમેસ્ટ્રી લેબોરેટરીમાં ચાલતા વર્ગ ખંડો અન્ય નાના વર્ગ ખંડોમાં રૂપાંતર કરેલા છે અને તેમાં આ વર્ગ ખંડો નાના હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે તેથી જે પ્રમાણે જૂની કેમિસ્ટ્રી લેબ ચાલતી હતી તે પ્રમાણે ફરીથી શરૂ કરવામાં આવે અને તે બિલ્ડિંગને લઈને જે પણ યોગ્ય કારણ હોય તેનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી માંગ છે. ત્રીજી બાબત એ છે કે ગુજરાત કોલેજમાં પાણીની સરખી વ્યવસ્થા નથી અને શૌચાલયોમાં પણ યોગ્યસર પાણી આવતું નથી જે વિધાર્થીઓની પ્રાથમિક જરૂરિયાત છે તેથી આ બાબત પર પણ યોગ્ય ધ્યાન આપી વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પણે યોગ્ય પગલા ભરવા જોઈએ. જો અમારી માંગનું નિવારણ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગુજરાત કોલેજમાં વિધાર્થી હિતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલન ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવશે.