For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હવે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના મૌખિક ઇન્ટર્વ્યુના ફફડાટને કહો ‘બાય બાય’ અને મનને એક સોલીડ મેસેજ આપો કે, ‘યસ, આઈ વિલ ડેફિનેટલી ડુ ઈટ...’

08:00 PM Feb 16, 2025 IST | revoi editor
હવે સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના મૌખિક ઇન્ટર્વ્યુના ફફડાટને કહો ‘બાય બાય’ અને મનને એક સોલીડ મેસેજ આપો કે  ‘યસ  આઈ વિલ ડેફિનેટલી ડુ ઈટ   ’
Advertisement

સાંજનો સમય હતો. રોહન લાઇબ્રેરીમાંથી નીકળતો હતો અને સામે એનો મિત્ર પલાશ મળી ગયો. પલાશે રોહનને જોઈને કહ્યું, ' હાય, રોહન. કેમ છે ? તે તો જીપીએસસી વન-ટુની રિટર્ન ટેસ્ટ ક્લિયર કરી દીધી ને ? કોન્ગ્રેચ્યુલેશન્સ.’

Advertisement

રોહને હળવુ સ્મિત આપીને કહ્યું, ‘થેન્ક્સ યાર.’

પલાશ બોલ્યો, ‘યાર, ઠંડી જરૂર વધારે છે, પણ તારો રિસ્પોન્સ એનાથી પણ વધુ આટલો બધો ઠંડો કેમ છે ? કોઈ તકલીફમાં છે કે શું ?’

Advertisement

ત્યારે રોહને કહ્યું, ' ના દોસ્ત, વાત જાણે એમ છે કે, એકાદ બે સપ્તાહમાં મારી ઓરલ ટેસ્ટ છે. મને એનો બહુ ફફડાટ છે. લેખિત પરીક્ષામાં તો કોઈ ડર ન હતો. મને કોન્ફિડન્સ હતો. પણ ઓરલમાં શું થશે એના વિચારોથી બહુ ડર લાગે છે.’

રોહન જેવા કેટલાય હોનહાનાર યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની લેખિત ટેસ્ટ તો આસાનીથી પસાર કરી જતા હોય છે પણ મૌખિક પરીક્ષા માટે માનસિક રીતે સજ્જ નથી હોતા. મૌખિક પરીક્ષામાં શું પુછાશે ? કેવું પૂછાશે ? ઇન્ટરવ્યૂ લેનારાઓનો એપ્રોચ કેવો હશે ? વગેરે પ્રશ્નોનું ધમાસાણ એમના મગજમાં ચાલતું હોય છે.

પુલક ત્રિવેદી

ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મૌખિક ટેસ્ટની તૈયારી કરતા યુવાનોને માનસિક રીતે સુસજજ કરવા માટેનો એક વિનમ્ર પ્રયાસ અહીં કર્યો છે. એક વાત દરેક ઉમેદવારોએ હંમેશા યાદ રાખવા જેવી છે કે, કોઈપણ જોબના ઓરલ ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર પાસેની માહિતી કરતા એની સમીક્ષાત્મક શક્તિ અને ઉમેદવારના સ્વયં ઉપર વિશ્વાસની વધુ ચકાસણી થતી હોય છે. કોઈપણ ઇન્ટરવ્યૂ લેનારા તજજ્ઞ ઉમેદવારને ડરાવવા કે એને ક્ષમતા વગરનો સિદ્ધ કરવા માટે બેઠા નથી હોતા. એટલે સૌ પ્રથમ તો આવી માનસિકતા ઉમેદવારે મનમાંથી કાઢી નાખવી જોઇએ. ઉમેદવાર જ્યારે રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે ઇન્ટરવ્યૂ લેનારા ઉમેદવારને પહેલા તો સહજ બનાવવા માટેનો પ્રયાસ કરે છે. એટલા માટે જ સૌથી પહેલા ઉમેદવારને પોતાના વિશે અને એના પરિવાર વિશે એકાદ બે પ્રશ્ન પૂછીને ઉમેદવારને કમફર્ટેબલ બનાવવામાં આવતો હોય છે. પણ હા, એક બાબતનું ઉમેદવારે ચોક્કસ ધ્યાન રાખવું રહ્યું કે, ઇન્ટરવ્યૂ કક્ષમાં પ્રવેશથી માંડીને ખુરશી ઉપર બેઠક લેતા સુધીની એની બોડી લેંગ્વેજમાં શાલીનતા અને સૌજન્યતા જરૂર અપેક્ષિત હોય છે.

શરૂઆતમાં ઉમેદવાર વિશે અને એના પરિવાર વિશેના બે ત્રણ પ્રશ્નો બાદ શૈક્ષણિક કારકિર્દી વિષયક પ્રશ્નો હોઈ શકે છે. અને એ પછી પ્રવર્તમાન સમયમાં ઉમેદવાર ક્યાં જોબ કરી રહ્યા છે એ સંદર્ભે વાતચીત થઈ શકે છે. એમાં અત્યારે જે જોબ કરી રહ્યા છો એનો પ્રકાર કેવો છે અને એમાં તમારું પ્રદાન કઈ રીતનું હોય છે ? જેવા પ્રશ્નો હોઈ શકે છે. સામાન્ય રીતે આવા પ્રશ્નો પાછળ ઉમેદવારની વર્તમાન જોબમાં એમની ક્ષમતા માપવાનો પ્રયાસ થતો હોય છે. ઉમેદવારના શોખ વિશે પણ જાણકારી મેળવવામાં આવે એ પ્રકારના સવાલો હોઈ શકે છે. પરંતુ એ બાબતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે, જ્યારે ઉમેદવાર એના શોખ વિશે વાત કરે ત્યારે એની પાસે એ શોખ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. જ્યારે શોખ વિશે ઉમેદવાર જણાવે ત્યારે એના પેટા પ્રશ્નો પણ આવી શકે છે. જેમ કે ઉમેદવાર એમ કહે કે, મને વાંચનનો શોખ છે. તો તરત જ એના પેટા પ્રશ્નમાં એવું પૂછી શકાય કે, કઈ ભાષામાં તમને વાંચવું ગમે ? તમારા પ્રિય લેખક કોણ છે ? કેમ તમને એ લેખક વધુ ગમે છે ? એમનું કયું પુસ્તક છેલ્લે બેસ્ટ સેલર શ્રેણીમાં આવ્યું હતું ? વગેરે બાબતો હોઈ શકે.

આટલી સામાન્ય વિગતોની ચર્ચા પાંચથી દસ મિનિટ થતી હોય છે. ત્યારબાદ વિષયને અનુરૂપ જાણકારીની અપેક્ષા ઉમેદવાર પાસે રાખવામાં આવતી હોય છે. જેમ કે અર્થશાસ્ત્રના સંદર્ભમાં એવા સવાલો હોઈ શકે કે, ગુજરાતની આર્થિક પરિસ્થિતિ શું છે ? ગુજરાતની જીડીપી કેટલી છે ? દેશમાં ગુજરાતનો આર્થિક હિસ્સો કેટલો છે ? ગુજરાતના પ્રમુખ ઉદ્યોગો અને એમાંથી ઉત્પન્ન થતી આર્થિક બાબતો સંદર્ભે તમારા વિચારો શું છે ? વગેરે વિષયો ઉપર ચર્ચા થઈ શકે છે. ત્યારબાદ બંધારણ સંદર્ભે વાતચીત થવાની શક્યતા છે. જેમાં ભારતનું બંધારણ વિશ્વમાં કઈ રીતે વિશેષ છે ? ભારતના બંધારણની મહત્વપૂર્ણ કલમો કઈ છે ? રાજ્યની સત્તાઓનો બંધારણમાં કેવી રીતના નિર્દેશવામાં આવી છે ? વગેરે જેવી બાબતોની ચર્ચા થઈ શકે છે.

અર્થશાસ્ત્ર અને બંધારણ ઉપરાંત જે રાજ્યની સરકારી સેવામાં ઉમેદવાર જોડાવાની ઇચ્છા રાખી રહ્યો છે તે રાજ્ય વિષેની જાણકારી ઉમેદવાર પાસે સ્વભાવિક રીતે જ અપેક્ષિત હોય છે. જેમાં ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક, સાહિત્યિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, કૃષિ, સ્થાપત્ય, ભૌગોલિક વગેરે બાબતો સંદર્ભે વિગતે વાત થવાની સંભાવના છે. ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં નેવુ લાખથી વધુ આદિવાસી બાંધવો વસે છે. એટલે સ્વાભાવિક રીતે જ આદિવાસી સંસ્કૃતિ, એમના પહેરવેશ, આદિજાતિ વિકાસ સંદર્ભે રાજ્ય સરકારની યોજનાઓ વગેરે બાબતે ચર્ચા થઈ શકે છે. એટલે ઉમેદવારે ઉમરગામથી માંડીને અંબાજી સુધીના ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં વસતા આદિવાસી લોકોની રહેણીકરણી અને તેના વિકાસ સંદર્ભે ગુજરાત સરકારે લીધેલા વિવિધ પગલાં અને મહત્વપૂર્ણ યોજનાઓ સંદર્ભે સજ્જતા રાખવાની આવશ્યકતા છે.

ઇન્ટરવ્યૂ પેનલમાં કોઈ સાહિત્ય રસિક તજજ્ઞ આવી જાય તો સાહિત્ય સંદર્ભે પ્રશ્નો અવશ્ય આવી શકે એમ છે. જેમાં ગદ્ય અને પદ્ય રચના સંદર્ભે સર્જકો અને સર્જનની ચર્ચા થઈ શકે છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યની બાબતો છેડાઈ શકે છે. એટલે ગુજરાતી સાહિત્ય સંદર્ભે તૈયારી કરવી જરૂરી છે. સાહિત્યના સંદર્ભમાં વિશેષ કોઈ જાણકારી ન હોય તો કમ સે કમ ધોરણ પાંચ થી બારના ગુજરાતીના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા અને લેખકોનો અભ્યાસ ઉમેદવારે અવશ્ય કરી લેવો જોઈએ.

આ ઉપરાંત જે જગા માટે ઉમેદવારે એપ્લાય કર્યું હોય એ જગાની કામગીરી સંદર્ભે ઉમેદવાર પાસે જાણકારી હોય એવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે. જો ડીવાયએસપીની જગ્યા માટેની ઉમેદવારે પસંદગી આપી હોય તો ભારતીય દંડ સહિતા, એના અમલ માટેની કાર્યવાહી, કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ડીવાયએસપીની જવાબદારી વગેરે બાબતો ચર્ચાઇ શકે છે. જો ઉમેદવારે નાયબ કલેક્ટર માટે એપ્લાય કર્યું હોય તો જિલ્લામાં કલેકટરની ભૂમિકા તથા જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ફરજો શું હોઈ શકે ? કલેકટરનું કાર્યક્ષેત્ર વગેરે બાબતો અંગે વાત થઈ શકે એમ છે.

ઉમેદવાર પાસે કરંટ ઇવેન્ટની જાણકારીની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. એટલે ઉમેદવારે અખબારો અને મેગેઝીનનો પ્રતિદિન અભ્યાસ કરતા રહેવું જરૂરી છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાના મૌખિક ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે ધોરણ પાંચ થી બારના વિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને ગુજરાતી આ ચાર વિષયના પાઠ્યપુસ્તકો સરસ રીતે વાંચીને તૈયાર કરવા જરૂરી છે. સામાન્ય રીતે ઇન્ટરવ્યૂના મોટાભાગના પ્રશ્નોના જવાબો આ તૈયારીમાંથી મળી જશે. અખબાર વાંચન માટે હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ અંગ્રેજી અખબારો અને કોઈ પણ એક પ્રાદેશિક ગુજરાતી અખબાર રોજ ત્રીસ મિનિટ વાંચવાની આદત કેળવવાથી ફાયદો થશે. અખબાર વાંચન વેળા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ઘટનાઓના સમાચારો ઉપરાંત તંત્રી લેખ અને તંત્રી લેખ સામેનો લીડ આર્ટીકલ રોજ અવશ્ય જોવો જોઈએ.

જીપીએસસીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઇન્ટરવ્યૂ કમિટીમાં વર્ષો સુધી રહી ચૂકેલા એક તજજ્ઞના અભિપ્રાય અનુસાર તમામ પ્રશ્નોના તર્કસંગત જવાબ આપે એવા ઉમેદવારના મૌખિક ઇન્ટરવ્યૂ લગભગ 30 થી 40 મિનિટ ચાલતા હોય છે. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના મૌખિક ઇન્ટરવ્યૂ માટે ભરપૂર આત્મવિશ્વાસ સાથે પ્રત્યેક સવાલોના શાલીનતાપૂર્વક જવાબો આપવા માનસિક રીતે સજ્જ થઈ જવું પડે. ઉમેદવારે એટલું યાદ રાખવુ જોઇએ કે, આ જોબની એને જેટલી જરૂર છે એટલી જ એના જેવા હોનાર નવયુવાનોની સામે પક્ષે પણ આવશ્યકતા છે. અહીં આપેલી તમામ માહિતીનો માત્ર ઉમેદવારોના માર્ગદર્શનનો હેતુ છે આવી જ પેટર્ન ઉપર મૌખિક ઇન્ટરવ્યૂ આવશે એ જરૂરી નથી પરંતુ સામાન્ય રીતે મૌખિક ઇન્ટરવ્યૂમાં આ પ્રકારની ચર્ચાઓનુ સ્થાન રહેતું હોય છે એ દર્શાવવાનો અહીં આશય છે. મૌખિક ઇન્ટરવ્યૂનો મનમાં છુપો ડર, ભય કે ફફડાટ હોય તો એને હવે ટાટા બાય બાય કરી દેજો. તમે જે કરી શકો એમ છો એ બીજું કોઈ કરી શકે એમ નથી એવો આત્મવિશ્વાસ રાખજો. રોજ સવારે અને સાંજે તમારા માઈન્ડને સકારાત્મકતાપૂર્વક ત્રણ વાર એમ કહો કે, ‘યસ, આઈ વિલ ડેફિનેટલી ડુ ઈટ...’

Advertisement
Tags :
Advertisement