લો હવે પોલીસ કર્મચારીઓ જ બન્યાં સાયબર હેકર્સનો શિકાર, ડિજીટલ લગ્નની કંકોત્રીમાં બતાવી ફસાવ્યાં
ઉત્તરપ્રદેશની હાઈ-ટેક પોલીસ પોતે જ સાયબર હેકર્સનો શિકાર બની ગઈ છે. અમેઠી જિલ્લામાં ત્રણ પોલીસકર્મીઓના મોબાઇલ ફોન હેક કરીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો ખુલાસો થયો છે. જામો અને જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક પોલીસ પ્રભારી અને બે હવાલદારના વોટ્સએપ પર હેકર્સે ડિજિટલ લગ્નની કંકોત્રી (ઇન્વિટેશન) મોકલી. આ મેસેજ સાથે આવેલા APK ફાઈલને ખોલતા જ તેમના મોબાઇલ ફોન હેક થઈ ગયા. બાદમાં બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.
હેકર્સે વોટ્સએપ મેસેજમાં લગ્નનું ડિજિટલ કાર્ડ મોકલ્યું હતું, જેમાં લખ્યું હતું કે, સ્વાગત છે...લગ્નમાં જરૂર આવજો. પ્રેમ તે માસ્ટર ચાવી છે જે ખુશીના દ્વાર ખોલે છે.” જેમજેમ પોલીસે આ લિંક પર ક્લિક કર્યું તેમ તેમનો ફોન હેક થઈ ગયો અને સંવેદનશીલ માહિતી સાથે બેન્ક એકાઉન્ટ ડિટેઈલ્સ હેકર્સના હાથમાં પહોંચી ગયા. પ્રારંભિક તબક્કે પોલીસ બદનામીના ડરથી પૈસા કપાયા હોવાનો ઇનકાર કરી રહી હતી. પરંતુ બાદમાં પોલીસે સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. અધિકારીઓએ જણાવ્યું કે મામલાની વિગતવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના બતાવે છે કે સાયબર ગુનેગારો સામે લડતા પ્રશિક્ષિત પોલીસકર્મી પણ તેમના જાળમાં ફસાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ કેસ સાયબર સુરક્ષાની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે અને લોકો માટે ચેતવણીરૂપ છે કે અજાણ્યા મેસેજ અથવા લિંક પર ક્લિક કરવું કેટલું જોખમી બની શકે છે.