ચિલોડા- હિંમતનગર નેશનલ હાઈવેના પુલના કામમાં વિલંબ અંગે હાઈવે ઓથોરીટીને નોટિસ
- ચિલોડા પોલીસે જ હાઈવે ઓથોરિટીને નોટિસ ફટકારી જવાબ માગ્યો,
- ચિલોડો નજીક પુલની કામગીરીને લીધે 5થી વધુ અકસ્માતોના બનાવ બન્યા.
- હાઈવે ઓથોરિટીનો જવાબ મળ્યા બાદ ગુનો દાખલ કરાશે
ગાંધીનગરઃ ચિલોડા-હિંમતનગર હાઇવે પર શિહોલી મોટી ગામ નજીક નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. પુલ નિર્માણનું કામ છેલ્લા ઘણા સમયથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અને ડાયવર્ઝન પણ યોગ્યરીતે અપાયુ ન હોય વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. નવા બની રહેલા પુલના કારણે અકસ્માતમાં બે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે 5 કરતા વધારે અકસ્માતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. હાઇવે ઓથોરીટીની મંથરગતિએ ચાલતી કામગીરીના કારણે વાહન ચાલકોને પારાવાર યાતનાઓ ભોગવવી રહ્યા છે. જેથી ચિલોડા પોલીસ દ્વારા હાઇવે ઓથોરીટીને નોટીસ ફટકારતા સવાલ કર્યો છે કે, તમારી સામે ગુનો કેમ દાખલ ન કરવો તેનો જવાબ આપવા તાકીદ કરી છે.
ચિલોડા-હિંમતનગર નેશનલ હાઇવેથી રાજસ્થાનના જયપુર, ઉદેપુર અને દિલ્લી તરફ મોટા પ્રમાણમાં વાહનો આવન જાવન કરતા હોય છે. જ્યારે અમદાવાદ તરફ પણ એટલા જ વાહનો આવન જાવન કરે છે. આ હાઇવે પર ચિલોડાની નજીકમાં આવેલા શિહોલી મોટી ગામ પાસે એક પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. કારગીરીના કારણે મોટા પ્રમાણમાં વાહનોને હાલાકી ભોગવવી પડી રહી છે. તે ઉપરાંત ટ્રાફિક સમસ્યા પણ વકરતી જાય છે.
ચિલોડા પોલીસ મથકના પીઆઇ દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટીને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં જાણાવ્યુ છે કે, હાઇવે પર બની રહેલા પુલની કામગીરી ધીમીગતિએ ચાલી રહી છે. જેથી હાઇવે ઉપર ચાલી રહેલા કામના કારણે અકસ્માતના બનાવો ખૂબ જ બની રહ્યા છે. બે લોકોના મોત થયા છે, જ્યારે પાંચ કરતા વધારે અકસ્માત પોલીસ ચોપડે નોંધાયા છે. જેથી ધીમીગતિએ ચાલતુ કામ અને યોગ્ય ડાયવર્ઝન નહિ આપી શકવાના કારણે બનેલા અકસ્માતમાં યોગ્ય જવાબદાર સામે ગુનો કેમ દાખલ કેમ ના કરવો ? તેવી નોટીસ ફટકારી છે અને આ બાબતે પોલીસ મથકમાં આવી જવાબ આપવા જણાવ્યુ છે.
અમદાવાદને રાજસ્થાનથી જોડતા નેશનલ હાઇવે પર ચિલોડાથી હિંમતનગર સુધીનો માર્ગ વાહનચાલકો માટે મુસિબત સમાન બન્યો છે. વર્ષોથી આ હાઇવેની કામગીરી પૂરી થતી નથી. ઠેક ઠેકાણે ખાડા અને ગાબડાં છે. પુલના કામમાં પણ બેદરકારી દાખવવામાં આવતા અકસ્માત સર્જાતા હોય છે. આ વિસ્તારમાં દરરોજ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ પ્રકારની બેદરકારી સામે પહેલીવાર કોઇ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાઇવે ઓથોરીટીને નોટીસ ફટકારવાની હિંમત કરી છે.