ગાંધીનગરમાં ગેરકાયદે હોર્ડિંગ્સ ત્રણ દિવસમાં હટાવવા 27 એકમોને નોટિસ
- શહેરમાં મંજુરી વિના લગાવેલા હોર્ડિંગ્સ દૂર કરવા ઝૂંબેશ
- મ્યુનિની હોર્ડિંગ્સ પોલીસીનો 1ના જાન્યુઆરીથી કરાયો પ્રાંરંભ
- મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં કરાયો સર્વે
ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસી બનાવવામાં આવી છે. જેનો ગઈકાલથી એટલે કે 1લી જાન્યુઆરીને બુધવારથી નવી આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. અને શહેરમાં લગાવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ વિવિધ 27 જેટલા સ્થળોએ ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવ્યા હોય તેવા એકમોને નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આવા એકમો સામે દંડનીય પગલાં લેવામાં આવશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલીસી બનાવવામાં આવી છે, શહેરમાં હોર્ડિંગ લગાવવા માટે મ્યુનિની મંજુરી લેવી ફરજિયાત છે. તેમજ હોર્ડિંગ લગાવવાના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. શહેરમાં ઘણાબધા હોર્ડિંગ મંજુરી વગર લગાવવામાં આવેલી છે. આથી મ્યુનિ. દ્વારા ગેરકાયદે હોર્ડિંગ્સ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. 27 જેટલા હોર્ડિંગ્સ લગાવેલા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. મ્યુનિ.ના જનસંપર્ક શાખા દ્વારા આ નોટિસ આપીને તેમને નોટિસ મળ્યેથી ત્રણ દિવસમાં હોર્ડીંગ દૂર કરી દેવાની સુચના આપવામાં આવી છે. આ સૂચનાનું ઉલ્લંઘન કરનારાઓ સામે વહીવટી ચાર્જ વસૂલ કરવાની કાર્યવાહી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર હોર્ડીંગ્સ શહેરની સુંદરતા બગાડે છે અને નાગરિકોની સુરક્ષાને ખતરો પહોંચાડી શકે છે. આ પોલિસી હેઠળ ગેરકાયદેસર હોર્ડીંગ્સ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારોમાં સતત દેખરેખ રાખીને ગેરકાયદેસર હોર્ડીંગ્સ શોધી કાઢવામાં આવશે અને તેમને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એકસરખા સ્ટ્રક્ચર અને ડિઝાઇનના હોર્ડિંગ્સ રખાશે અને કોઇપણ હોર્ડિંગ્સ માટે મ્યુનિ.કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે.