દરેક ખાનગી મિલકતને પબ્લિક રિસોર્સ ન કહી શકાય: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ શું સરકારને ખાનગી મિલકત હસ્તગત કરવાનો અને તેની પુન: વહેંચણી કરવાનો અધિકાર છે? તે અંગેની પીડિશન ઉપર ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિ ન કહી શકાય. બંધારણીય બેંચે આ વર્ષે 1 મેના રોજ સુનાવણી કર્યા બાદ ખાનગી સંપત્તિ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે 1978 પછીના આદેશને પલટી નાખ્યો છે, જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને સરકાર સામાન્ય ભલા માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે. કોર્ટે નિર્ણય લીધો કે, બંધારણના અનુચ્છેદ 39(B) ની જોગવાઈઓ અનુસાર, ખાનગી મિલકતને સામુદાયિક સંપત્તિ તરીકે ગણી શકાય નહીં અને જાહેર હિતમાં તેનું વિતરણ કરી શકાય નહીં.
ચીફ જસ્ટીસ DY ચંદ્રચુડે બહુમતીનો નિર્ણય વાંચતા કહ્યું કે બંધારણની કલમ 31 (C) જે નિર્દેશક સિદ્ધાંતો અનુસાર બનેલા કાયદાઓને રક્ષણ આપે છે તે યોગ્ય છે. CJI ચંદ્રચુડે કહ્યું, "હવે આપણે 39 (B) વિશે વાત કરીશું. 39(B) જાહેર હિતમાં સામુદાયિક મિલકતના વિતરણ વિશે વાત કરે છે. તમામ ખાનગી મિલકતને સામુદાયિક મિલકત તરીકે જોઈ શકાતી નથી. આ અંગે અગાઉ લીધેલા કેટલાક નિર્ણયો ચોક્કસ આર્થિક વિચારધારાથી પ્રભાવિત હતા.
CJIએ કહ્યું કે આજના આર્થિક માળખામાં ખાનગી ક્ષેત્રનું મહત્વ છે. ચુકાદો આપતાં તેમણે કહ્યું કે, દરેક ખાનગી મિલકતને સામુદાયિક મિલકત કહી શકાય નહીં. મિલકતની સ્થિતિ, જાહેર હિતમાં તેની જરૂરિયાત અને તેની અછત જેવા પ્રશ્નો ખાનગી મિલકતને સામુદાયિક મિલકતનો દરજ્જો આપી શકે છે.