ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને યુદ્ધ માટે ઈઝરાયલની આકરી ટીકા કરી
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું છે.આ દરમિયાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ યુદ્ધ માટે ઈઝરાયલની આકરી ટીકા કરી.ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે ઈઝરાયલ દ્વારા ઈરાનના નાગરિક, પરમાણુ ઠેકાણા પર હુમલા અંગે જણાવ્યું હતુ કે, આ માનવતા વિરુદ્ધ અક્ષમ્ય ગુનો છે. આ પ્રદેશને એક નવા યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકા અને યુરોપિયન દેશો પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 'અમેરિકા અને પશ્ચિમી દેશો, ઈઝરાયલ સાથે મળીને મિડલ ઈસ્ટની શાંતિ માટે કેન્સર બની રહ્યા છે.' અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ઈરાન પ્રત્યે ધીરજ હવે ખૂટી ગઈ છે. તેમણે પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે.' આના જવાબમાં ઉત્તર કોરિયાએ કહ્યું કે, 'તમારી કાર્યવાહી મિડલ ઈસ્ટને વિનાશ તરફ દોરી રહ્યું છે.'
ઉત્તર કોરિયા અને ઈરાન વચ્ચે મિસાઈલ અને લશ્કરી ટેકનોલોજીના આદાન-પ્રદાનનો લાંબો ઈતિહાસ રહ્યો છે. ઉત્તર કોરિયાએ ઈરાનને બેલિસ્ટિક મિસાઈલ અને અન્ય લશ્કરી હાર્ડવેર પૂરા પાડ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો બન્યા છે.