નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત, વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચોડાનું કરાશે સન્માન
અનેક દેશમાં યુદ્ધ રોકાવ્યાનો દાવો કરનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબલ શાંતિ એવોર્ડની આશા રાખતા હતા. તેમજ પાકિસ્તાને પણ ટ્રમ્પને નોબલ શાંતિ એવોર્ડ આપવાની અપીલ કરી હતી. દરમિયાન આજે આ વર્ષના નોબલ શાંતિ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતતી ટ્રમ્પની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચોડાને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જે હાલ પોતાના દેશમાં જ છુપાઈને રહેવા મજબુર છે.
આયરન લેડીના નામથી જાણીતા મચોડાનું નામ ટાઈમની 2025ના પ્રતિભાશાલી લોકોની યાદીમાં પણ સામેલ હતું. આ પુરસ્કારની જાહેરાત કરતા નોબલ શાંતિ સમિતિના અધ્યક્ષએ મચાડોને શાંતિના એક સાહસી અને પ્રતિબદ્ધ સમર્થન બતાવીને તેમની પ્રશંસા કરી હતી. તેમજ કહ્યું કે, તેમણે વધતા અંધકાર વચ્ચે પણ લોકશાહીનો દીવો પ્રગટાવી રાખ્યો છે.
મચાડોએ સુમાતે નામના સંગઠનની સ્થાપના કરી છે, જે લોકશાહીને મજબૂત બનાવવા તથા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની માંગ માટે કામ કરે છે. મચાડો વર્ષ 2024 ના ચૂંટણી પહેલાં વિપક્ષની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. જો કે, વેનેઝુએલાની સરકારે તેમની ઉમેદવારી રદ કરી હતી.
આ વર્ષ નોબલ શાંતિ પુરસ્કાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ પણ દાવેદાર હતા, જેમાં પાકિસ્તાન, ઇઝરાઇલ, અમેરિકા, આર્મેનિયા, અઝરબૈજાન, માલ્ટા અને કંબોડિયા સહિત 8 દેશોએ તેમને નોમિનેટ કર્યાં હતા. અર્જેન્ટિનાએ પણ ટ્રમ્પને શાંતિનો નોબેલ આપવાની ભલામણ કરી હતી. લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી કે ટ્રમ્પ યુક્રેન યુદ્ધ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં મધ્યસ્થતા માટે નોમિનેટ થઈ શકે, પરંતુ આ વર્ષે નોબેલ કમિટીએ પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષ નેતા મચાડોને આપવાનો નિર્ણય લીધો છે.