ક્રેશ થયેલા વિમાનમાં કોઈ ટેકનિકલ સમસ્યા જોવા મળી નથી: એર ઈન્ડિયા
નવી દિલ્હીઃ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) કેમ્પબેલ વિલ્સને સોમવારે, અમદાવાદ અકસ્માત અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) ના રિપોર્ટ પર પહેલી પ્રતિક્રિયા આપી. ટાટાની આગેવાની હેઠળની એવિએશન કંપનીના એમડીએ જણાવ્યું હતું કે,” 12 જૂને ગુજરાતમાં ક્રેશ થયેલા વિમાન અથવા તેના એન્જિનમાં કોઈ યાંત્રિક કે જાળવણી સંબંધિત સમસ્યા જોવા મળી નથી.” કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને મોકલેલા આંતરિક ઈ-મેલમાં કહ્યું છે કે,” ગયા મહિને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના અંગે, એએઆઈબીના પ્રાથમિક અહેવાલમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે.” તેમણે કહ્યું કે,” પ્રારંભિક અહેવાલમાં કોઈ કારણ કે કોઈ સૂચન આપવામાં આવ્યું નથી.” વિલ્સને વધુમાં કહ્યું કે,” વિમાનના ઈંધણની ગુણવત્તામાં કોઈ સમસ્યા નથી અને ટેક-ઓફ રોલમાં કોઈ અસામાન્યતા નથી.”
તેમણે આ સંદેશમાં એર ઈન્ડિયાના કર્મચારીઓને જણાવ્યું હતું કે,” પાઇલટ્સે ઉડાન પહેલાં બ્રેથલાઈઝર ટેસ્ટ પાસ કર્યો હતો. તેમની તબીબી તપાસ દરમિયાન કંઈ ચિંતાજનક મળ્યું નથી.” વિલ્સને કર્મચારીઓને અપીલ કરી કે,” તેઓ ઉતાવળમાં કોઈ નિષ્કર્ષ ન કાઢે, કારણ કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી.” તેમણે કહ્યું કે,” અમે તપાસકર્તાઓને સહકાર આપતા રહીશું.” હકીકતમાં, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) એ શનિવારે 12 જૂને ગુજરાતમાં ક્રેશ થયેલા વિમાન અંગે પોતાનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો હતો. આ વિમાન દુર્ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા. અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા આ વિમાનને ટેકઓફ થયા પછી તરત જ અકસ્માત થયો હતો.