ગુજરાતની તમામ શાળાઓમાં 5મી જુલાઈથી દર શનિવારે ‘નો સ્કૂલ બેગ ડે’નો અમલ
- ગુજરાતના શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય,
- શાળાના બાળકો દર શનિવારે એન્જોય ડે મનાવશે,
- શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃત્તિ કરાવાશે.
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ રાજ્યની તમામ શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડેનો અમલ કરાશે, એક નવી શૈક્ષણિક પહેલ હેઠળ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં “નો સ્કૂલબેગ ડે” એટલે કે “બેગ વિના શાળા” દિવસ અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. આગામી તા. 5 જુલાઈ 2025થી દર શનિવારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર શાળામાં આવશે. અને બાળકોને શિક્ષણ સિવાઈ ઈત્તર પ્રવૃતિઓ કરાવાશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને માર્ગદર્શિકા મોકલી છે.
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ 2022નો ક્રમશઃ અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલબેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવતા શનિવાર ( 5 જુલાઈ)થી નો સ્કૂલબેગનો અમલ થશે. શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલબેગ વગર જ શાળા પર આવશે. શાળામાં શનિવારે અભ્યાસ સિવાય ઈત્તર પ્રવૃત્તિ કરાવાશે.
શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ નવી શિક્ષણ પોલીસીના નો સ્કૂલબેગ ડેના નિયમમાં વાત એવી છે કે, દરેક પ્રાથમિક શાળામાં શનિવારે વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા વધુ ધ્યાન ઈતર પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવામાં આવશે. અને બાળકોનો વિકાસ એ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ દાખલ કરવામાં આવ્યો છે. શનિવારે શાળાના બાળકો માટે એન્જોય ડે રહેશે, બાળકો રમત-ગમત સહિત પોતાને ગમતી પ્રવૃતિમાં ભાગ લઈ શકશે. શાળામાં શારીરિક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના અપાઈ છે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે.
નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડે ઉજવવાનો નિર્ણય કર્યો છે. જો કે, રાજ્યની અનેક સરકારી અને ખાનગી શાળાઓ સ્વૈચ્છિક રીતે અઠવાડિયામાં એક દિવસ અથવા મહિનામાં એક દિવસ બેગલેસ ડે રાખતી હોય છે. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી અલગ ઈત્તર પ્રવૃતિઓ કરાવાતી હોય છે. જો કે, હવે રાજ્ય સરકારના પરિપત્ર બાદ દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવારે બેગલેસ ડેનો અમલ થશે.