દિલ્હી-NCRમાં ઝેરી હવાથી રાહત નહીં: AQI 385 ને પાર
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં વાયું પ્રદૂષણનો કહેર ફરી વધ્યો છે. શુક્રવારે શહેરનું વાયું ગુણવત્તા સૂચકાંક (AQI) 385 નોંધાયું, જે "ખૂબ ખરાબ" કેટેગરીમાં આવે છે. ઠંડીની તીવ્રતા વચ્ચે લોકોને પ્રદૂષિત હવામાં કોઈ રાહત મળી રહી નથી. પરિસ્થિતિ તે સમયે વધુ ખરાબ બની જ્યારે GRAP સ્ટેજ-III ના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા, તેના માત્ર એક જ દિવસ પછી AQI ફરી ઝડપથી વધી ગયો છે.
ગુરુવારે શહેરનું કુલ AQI 327થી વધી 377 પર પહોંચી ગયું હતું. સવારે 8 વાગે AQI 351 અને સાંજે 7 વાગે AQI 381 પહોંચ્યું હતું. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, હવાની ગતિ ખૂબ ધીમી રહેતા પ્રદૂષક તત્ત્વો જમીન સ્તરે જ અટવાઈ રહ્યા છે. દિવસ દરમિયાન હવા માત્ર 4-5 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલતી હતી, જે પ્રદૂષણને ઘટાડવા માટે પૂરતી નથી. CAQMએ સ્પષ્ટ કર્યું છે કે, સ્ટેજ-IIIની સખ્તી ત્યારે જ ફરી લાગુ થશે, જ્યારે AQI 400 પાર જશે, જે “Severe” કેટેગરીમાં આવે છે. હાલમાં સ્થિતિ પર નજર રાખવાનો નિર્ણય લેવાયો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા કેટલાક દિવસ સુધી હવા “ખૂબ ખરાબ” શ્રેણીમાં જ રહેશે. NCR અને ઉત્તર ભારતના શહેરોમાં તાપમાન 8 થી 12°C વચ્ચે પહોંચી ગયું છે. તેમજ ધુમ્મસ અને પ્રદૂષણ સાથે મળીને લોકોની તબિયત માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે સવારથી શહેર પર ઘાટો સ્મોગ છવાયેલો જોવા મળ્યો અને સાંજ પછી ફરી ધુમ્મસ વધી જતા વીઝિબિલિટી (દૃશ્યતા) ઘટી ગઈ હતી.
ચિકિત્સકો અનુસાર આ પ્રદૂષિત હવા ખાસ કરીને બાળકો, વરિષ્ઠ નાગરિકો, દમ / શ્વાસરોગ અને હૃદયના દર્દીઓ માટે ખૂબ જોખમી છે. તેમણે સલાહ આપી છે કે, અનાવશ્યક બહાર નીકળવાથી બચો, ભારે શારીરિક ક્રિયાઓથી દૂર રહો, N95 જેવા માસ્કનો ઉપયોગ કરો, તેમજ જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળો.