કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે." જયારે 130મા બંધારણ સુધારા બિલ પર અમિત શાહે સ્પષ્ટતા કરી કે, કાયદો બધા માટે એકસમાન હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં બિલ પસાર થવા પર વ્યક્ત વિશ્વાસ કર્યો હતો. તેમણે કહ્યું, સંસદ ચર્ચા માટે છે વિરોધ માટે નહીં. વિપક્ષ જેલમાંથી સરકાર ચલાવવા માંગે છે. સાથે જ વિપક્ષ પ્રજાને ગુમરાહ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે 130મા બંધારણ સુધારા બિલની વિરુદ્ધ વિપક્ષના વલણ અંગે વાત કરતા કહ્યું કે, "મને પૂરો વિશ્વાસ છે કે આ બીલ પસાર થશે. કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષમાં એવા ઘણા લોકો હશે જે નૈતિકતાને સમર્થન આપશે અને નૈતિકતાના આધારને જાળવી રાખશે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર કહ્યુ કે, તેમણે હેલ્થને કારણે રાજીનામું આપ્યુ હતું. તે સંવૈધાનિક પદ પર હતા અને એ પ્રમાણે તેમણે સારૂં કામ કર્યુ છે. અમિત શાહે આલોચનાઓ પર જવાબ આપીને સ્પષ્ટ કર્યુ કે, જ્યાં સુધી રાજીનામાનો સવાલ છે તો તેમણે પોતાના અંગત સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યુ છે. આ મુદ્દાને વધારે ખેંચવાની અને બીજી કોઈ દિશામાં જોવાની જરૂર નથી.
ગૃહમંત્રી અમિત શાહે કટાક્ષ કરતા કહ્યુ કે, આજે પણ વિપક્ષની કોશિશ એ જ છે કે જો તે ક્યારેય જેલ જાય તો ત્યાંથી જ સરકાર ચલાવી શકે. તેમણે વિપક્ષની મંશા પર વાત કરતા કહ્યુ કે તે ઇચ્છે છે કે જેલને જ સીએમ હાઉસ, પીએમ હાઉસ બનાવવામાં આવે અને જેલ માંથી જ ડીજીપી, મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ અથવા ગૃહ સચિવને આદેશ આપવા જોઈએ.