રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એકપણ વિદેશ જતી ફ્લાઈટ્સ ઉડાન ભરતી નથી
- છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે રાહ જોવાય છે,
- રાજકોટથી ચીન વાયા કોલકાતાની ફ્લાઇટના પ્રપોઝલની મંજૂરી બાકી,
- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સેવાનો લાભ મળે તો વેપાર-ઉદ્યોગને પણ ફાયદો થાય
રાજકોટઃ શહેર નજીક હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયાને બે વર્ષનો સમય વિતિ ગયો છે. બે વર્ષ પહેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ઈન્ટરનેશન એરપોર્ટ પર હાલ ડોમેસ્ટીક સેવા ઉપલબ્ધ છે. પણ ઈન્ટરનેશનલ એક પણ ફ્લાઈટ્સની સેવા ઉપલબ્ધ નથી. જોકે રાજકોટથી કલકત્તા અને કલકત્તાથી ચીનની ફ્લાઈટ માટેની પ્રપોઝલ ઈન્ડિગો એર લાઇન્સ દ્વારા મૂકવામાં આવેલી છે, જે મંજૂર થાય તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કનેક્ટિવિટી મળશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ફ્લાઈટ્સની સેવા શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી માગ ઊઠી છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. રાજકોટમાં ઓટો મોબાઇલ, એન્જિનિયરિંગ, ઇમિટેશનનો બિઝનેસ છે, તો મોરબી સિરામિક ઉદ્યોગ છે. આ ઉપરાંત જામનગરમાં ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ પોરબંદર અને વેરાવળના ઉદ્યોગો વિદેશના વેપાર સાથે જોડાયેલા છે. તેમજ દેશના મોટા બે બંદરો મુન્દ્રા અને કંડલા પોર્ટ આવેલા છે. એટલે ઈન્ટરનેશનલ ફ્લાઈટને સારો પ્રવાસી ટ્રાફિક મળી રહે તેમ છે. હાલ રાજકોટથી કલકત્તા અને કલકત્તાથી ચીનની ફ્લાઈટ માટેની પ્રપોઝલ ઈન્ડિગો એર લાઇન્સ દ્વારા મૂકવામાં આવેલી છે, જે મંજૂર થતા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કનેક્ટિવિટી મળશે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ઈમિગ્રેશનના ડીપાર્ચરમાં 12 તો અરાઇવલના 16 કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા છે અને તે માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે, ગૃહ મંત્રાલયને પત્ર લખી દેવામાં આવ્યો હતો. તેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઈમિગ્રેશન ચેક પોસ્ટ તરીકે જાહેર કરવા માટે લખવામાં આવેલું હતુ. આ સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ એરપોર્ટ જાહેર કરવા માટે ગત જુલાઇ, 2024માં મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ એટલે કે નાણા મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં પણ ઇન્ટરનેશનલ અરાઇવલ અને ડીપાર્ચર માટેના 1-1 કસ્ટમ કાઉન્ટર તૈયાર થઈ ચૂક્યા હોવાનુ જાહેર કરાયુ હતુ.