અમદાવાદના ફ્લાવર શોમાં પ્રી-વેડિંગ કે મુવી શુટિંગ માટે બુકિંગ ન મળ્યાં
- લગ્ન સિઝનમાં બુકિંગ મળશે એવી ગણતરીએ ફ્લાવર શો લંબાવાયો છે
- પ્રિ-વેડિંગ-મૂવી શૂટિંગના નામે આવક ઉભી કરવાની કરેલી યુક્તિ સફળ ના થઈ
- પ્રિ-વેડિંગ શૂટીંગ માટે એક કલાકના રૂપિયા 25000નો દર નક્કી કરાયો છે
અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફલાવર શોને લોકો તરફથી સારોએવો રિસ્પોન્સ મળ્યો હતો. લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શોને નિહાળવા માટે આવ્યા હતા. લોકોનો રિસ્પોન્સ જોઈને એએમસીએ પ્રિ-વેડિંગ અને મુવી શુટિંગ માટે ચાર્જ નક્કી કરીને ફલાવર શૉને 24 જાન્યુઆરી સુધી લંબાવવા નિર્ણય કર્યો હતો. ત્યારે 9 જાન્યુઆરીએ પ્રિ-વેડિંગ, મૂવી શૂટિંગ માટે જાહેરાત કરાયા એકપણ બુકિંગ થયું ન હોવાનું કહેવાય છે.
શહેરના રિવરફ્રન્ટ પર એએમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરાયું છે. દેશ-વિદેશના રંગબેરંગી ફુલોનો નજારો જોવા માટે શહેરના નાગરિકો તરફથી સારોએવો રિસ્પોન્સ મળ્યો હતો. દરમિયાન તંત્ર દ્વારા પ્રિ-વેડિંગ અને મુવી શુટિંગ માટે એક કલાકના 25000નો ચાર્જ નક્કી કરીને ફલાવર શોને 24મી જાયુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. પરંતુ કહેવાય છે કે, તંત્રની પ્રિ-વેડિંગ-મૂવી શૂટિંગના નામે આવક ઉભી કરવાની કરેલી યુક્તિ સફળ તો ના થઈ પરંતુ નિર્ણય પણ ખોટો સાબિત થયો છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ફલાવર શોને 23 અને 24 એમ બે દિવસ માટે લંબાવીને શહેરીજનો પ્રિ-વેડિંગ શૂટીંગ કરી શકે એ માટે સવારના 7થી 8 એમ એક કલાક દરમિયાન રૂપિયા 25000 ચાર્જ વસૂલીને પ્રિ-વેડિંગ શૂટિંગ કરવા મંજૂરી અપાશે એ પ્રકારની સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત વેબ સિરીઝ અને મૂવી ઉપરાંત જાહેરાતના શૂટિંગ માટે 23 અને 24 જાન્યુઆરીના રોજ સાંજના 6થી 9 કલાક દરમિયાન રૂપિયા એક લાખ ચાર્જ વસૂલીને તંત્ર તરફથી શૂટિંગ માટે મંજૂરી આવવાની જાહેરાત કરાઈ હતી. રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું કે, ફલાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટિંગ માટે કરવામાં આવેલી જાહેરાત પછી એકપણ બુકિંગ મળ્યું નથી.